- સ્ટેટ બેન્કના શેરની કિંમતમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો
- ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડના શેરની કિંમતમાં વધારો
- ક્રૂડ ઓઇલ 69.77 ડોલર પર પ્રતિ બેરલ પર પહોંચ્યું
મુંબઇ: વધતા જતા વિદેશી હૂંડિયામણના ઉપાડને કારણે નાણાકીય કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે, જેને કારણે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) સેન્સેક્સમાં કારોબારના પ્રારંભિક તબક્કે 600 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજ(NSE)નો નિફ્ટી પણ 14,900 પોઇન્ટ તૂટ્યો છે.
વાંચો: શેરબજારમાં ઐતિહાસિક તેજીઃ સેન્સેક્સે 50,000ની સપાટી કૂદાવી
SBIનો શેર લગભગ 2 ટકા જેટલો નીચે ગયો
BSEનો 30-કંપની શેર આધારિત ઇન્ડેક્સ પ્રારંભિક રાઉન્ડમાં 630.51 પોઇન્ટ એટલે કે 1.24 ટકા ઘટીને 50,161.57 પોઇન્ટ પર અને NSE નિફ્ટી ઈન્ડેક્સ 184.15 પોઇન્ટ એટલે કે 1.23 ટકા ઘટીને 14,846.80 પોઇન્ટ પર છે. સેન્સેક્સ શેરોમાં સ્ટેટ બેન્કમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. SBIનો શેર લગભગ 2 ટકા જેટલો નીચે ગયો હતો. તે જ સમયે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડો. રેડ્ડીઝ લેબ, બજાજ ઓટો, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને કોટક બેંકના શેરોમાં પણ ઘટાડો થયો છે.
વાંચો: બિઝનેસ 360°: જાણો COVID 19 ના કારણે શું થઇ અલંગના શિપ બ્રેકિંગ યાર્ડ પર અસર તેમજ અન્ય વેપાર સમાચાર
વિદેશી રોકાણકારોએ 942.60 કરોડના શેર વેચ્યા
ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડના શેરની કિંમતમાં વધારો નોંધાયો હતો. આ અગાઉ ગત શુક્રવારે, સેન્સેક્સ 487.43 પોઇન્ટ એટલે કે 0.95 ટકા ઘટીને 50,792.08 પોઇન્ટ અને નિફ્ટી ઈન્ડેક્સ 143.85 પોઇન્ટ એટલે કે 0.95 ટકા તૂટીને 15,030.95 પોઇન્ટ પર બંધ થયા હતા. શેર બજારોના આંકડાઓ મુજબ, ગત સપ્તાહના અંત સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માર્કેટમાં કુલ 942.60 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
આગામી દિવસોમાં માર્કેટમાં વધઘટ થઈ શકે
રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહરચના પ્રમુખ બિનોદ મોદીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી દરમિયાન રિટેલ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના આંકડા અને જાન્યુઆરી દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP)માં ઘટાડો થયો છે. આ સાથે, દેશના જુદા જુદા ભાગોમાં કોવિડ -19 ના કેસોમાં વધારો અને અમેરિકામાં ટ્રેઝરી બીલો પર વધુ રસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં માર્કેટમાં વધઘટ થઈ શકે છે.
વાંચો: બિઝનેસ 360°: જાણો શું છે ક્રિપ્ટો કરન્સી કે જેને SC એ મંજૂરી આપી?
છૂટક ફુગાવો વધીને 5.03 ટકા પર પહોંચ્યો
જોકે, સોમવારે કારોબારની શરૂઆતમાં વિવિધ એશિયન ચલણોમાં નરમાઇ જોવા મળી હતી. ગત સપ્તાહે અર્થવ્યવસ્થાને બમણો ફટકો પડ્યો હતો. એક તરફ, ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકમાં જાન્યુઆરી દરમિયાન 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ, ફેબ્રુઆરી મહિનામાં જાન્યુઆરીની તુલનામાં છૂટક ફુગાવો વધીને 5.03 ટકા થયો છે. વૈશ્વિક બજારોમાં, ક્રૂડ ઓઇલના બ્રેન્ટ ફ્યુચર્સના ભાવ 0.79 ટકા વધીને 69.77 ડોલર પર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.