- શેરબજારમાં ગઈકાલના ઘટાડા પછી આજે નવી લેવાલી
- અમેરિકન સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો
- એફઆઈઆઈની વેચવાલી અટકી
અમદાવાદ- શેરબજારમાં ગઈકાલના ઘટાડા પછી આજે મજબૂતાઈ આવી હતી. અમેરિકન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, પરિણામે શેરોના ભાવ ઊંચકાયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. સામે એફઆઈઆઈની નવી વેચવાલી અટકી હતી.
તમામ સમાચાર પોઝિટિવ આવ્યાં
ભારતમાં કોરોના કેસ સતત વધીને આવી રહ્યાં છે., જે ચિંતાનો વિષય છે. યુરોપ, ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં લોકડાઉનનો વિરોધ થઈ રહ્યો છે. જો કે કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિન આવી ગઈ છે, અને ભારત સરકારે ટેસ્ટિંગ અને વેક્સિન વધાર્યું છે. પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના ઉંમરનાઓને રસી આપવામાં આવશે, જે સમાચારની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી. સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ પર ચૂકાદો આપ્યો હતો, કે હવે વ્યાજ માફી આપવી મુશ્કેલ છે, કારણ કે કોરાના મહામારી દરમિયાન સરકારની આવક ઘટી છે, જેથી પ્રેશર ન કરી શકાય. વધુ નવા સમાચાર એ હતાં કે સરકારને આ વર્ષ પીએસયુ દ્વારા 30,369 કરોડનું ડિવિડંડ મળ્યું છે, જે પોઝિટિવ ન્યૂઝને પગલે શેરોની જાતેજાતમાં નવી લેવાલી ચાલુ રહી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતાં, તેમ છતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.
સેન્સેક્સ 280.15 વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 49,771.29ની સામે આજે સવારે 49,876.21 ખુલ્યો હતો, જે શરૂમાં ઘટીને 49,661.92 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 50,264.65 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 50,051.44 બંધ થયો હતો, જે 280.15નો ઉછાળો દર્શાવે છે.
નિફટી 78.35 ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,736.40ની સામે આજે સવારે 14,768.55 ખુલીને શરૂમાં ઘટીને 14,707.00 થઈ અને ત્યાંથી ઝડપી વધી 14,878.60 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 14,814.75 બંધ થયો હતો, જે 78.35નો ઉછાળો દર્શાવે છે.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ(3.06 ટકા), ઈન્ડુસઈન્ડ બેન્ક(2.28 ટકા), આઈસીઆઈસીઆઈ બેન્ક(2.25 ટકા), એચડીએફસી બેન્ક (2.11 ટકા) અને ટિટાન કંપની(2.06 ટકા)નો સમાવેશ થાય છે.
સૌથી વધુ ગગડેલા શેર
આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઓએનજીસી(2.28 ટકા), પાવરગ્રીડ(1.97 ટકા), આઈટીસી(1.70 ટકા), એનટીપીસી(1.14 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.05 ટકા)નો સમાવેશ થાય છે.