નવી દિલ્હી : પેટ્રોલના ભાવમાં રવિવારે આશરે દોઢ મહિના બાદ થોડો વધારો નોંધાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં 12 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.
ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં રવિવારે પેટ્રોલના ભાવ ક્રમશ: 80.57 રૂપિયા, 82.17 રૂપિયા, 87.31 રૂપિયા, અને 83.75 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. આ ચાર મહાનગરોમાં ડીઝલની કિંમતમાં કોઇ વધારો થયો નથી. પેટ્રોલના ભાવમાં આ પહેલાં 29 જૂનના લિટરદીઠ માત્ર 5 પૈસાનો વધારો થયો હતો.
ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ પર 16 ઓગષ્ટે અપડેટ કરવામાં આવેલ પેટ્રોલના બિલ્ડઅપ પ્રાઈસ મુજબ પેટ્રોલનો બેઝ પ્રાઈસ 24.95 રૂપિયા પ્રતિ લિટર છે. જેના પર 36 પૈસા પ્રતિલીટરના દરે ભાડુ ચુકવ્યા બાદ 25.31 રૂપિયા પ્રતિલીટરમાં આ પેટ્રોલપંપના વેપારીઓ માટે ઉપલબ્ધ છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 80.57 રૂપિયા પ્રતિલીટરમાં 51.57 રૂપિયા પ્રતિલીટર ટેક્સ છે. જોકે, ડીઝલના ભાવ 73.56 રૂપિયા લીટરમાં 42.63 રૂપિયા પ્રતિલીટર ટેક્સ છે.