નવી દિલ્હી: ભારતમાં સર્વિસિસ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં જૂનમાં સતત ચોથા મહિનામાં ઘટાડો થયો છે. શુક્રવારે એક માસિક સર્વેએ જણાવ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને લીધે, નવા ઓર્ડર ઘટ્યા છે અને વ્યવસાયિક કામગીરીને ખરાબ અસર થઈ છે.
જૂન મહિનામાં આઈએચએસ માર્કેટ ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટીનો ઈન્ડેક્સ 33.7 રહ્યો. તે મે મહિનામાં 12.6 હતો.
આ વધારા છતાં, જૂન મહિનામાં ભારતીય સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સતત ચોથા મહિનામાં ઘટાડો થયો છે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયા સર્વિસિસના પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ) ના અનુસાર, 50 થી વધુનો મતલબ વિસ્તારથી અને 50 ની નીચે એટલે ઘટાડો ગણાય છે.
આઈએચએસ માર્કેટના અર્થશાસ્ત્રી જોય હેઇસે કહ્યું કે દેશમાં કોરોના વાઇરસની કટોકટીની વિકટ પરિસ્થિતિને કારણે જૂન મહિનામાં પણ ભારતના સર્વિસ સેક્ટરમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ સમયે ભારતીય અર્થતંત્ર નીચે આવી રહ્યું છે. જો આ સંક્રમણ નિયંત્રિત ન કરવામાં આવે તો તેની અસર આ વર્ષના બીજા 6 માસિક ગાળામાં જોવા મળશે.
તેમણે કહ્યું કે સર્વેમાં શામિલ એક મોટો ભાગ હજી પણ પ્રવૃત્તિઓમાં ઘટાડો અને ઘટતા ક્રમ વિશે માહિતી આપી રહ્યો છે. આ સ્થાનિક રીતે ભારત માટે એક પડકારજનક ચિત્રને દેખાડે છે.
સર્વે અનુસાર 59 ટકા કંપનીઓનું કહેવું છે કે મેની તુલનામાં જૂનમાં તેમના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થયો નથી. માત્ર ચાર ટકા કંપનીઓએ કહ્યું કે તેમનું ઉત્પાદન વધ્યું છે. 37 ટકા કંપનીઓના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.