ગત ત્રણ વર્ષથી સતત ભારતમાં પ્રવાસીઓ દ્વારા મોકલાવેલા નાણા(રેમિટેન્સ) વધુ રકમમાં રહ્યા છે. વર્ષ 2016માં ભારતીયોને 62.7 અબજ ડૉલર અને 2017માં 65.3 અબજ ડૉલરની રકમ મોકલવામાં આવી હતી. વર્લ્ડ બેંકનું કહેવું છે કે, ભારતમાં 2018માં આવનાર રેમિટેન્સમાં 14 ટકાનો વધારો થયો છે. જેનું કારણ એ પણ છે કે, કેરળમાં વિનાશક પૂર આવ્યું હતું, જેથી પ્રવાસીઓએ તેમના પરિવારોને મદદ મોકલી હતી.
બીજી તરફ પાકિસ્તાનમાં પ્રવાસીઓ દ્વારા મોકલાવેલા નાણામાં ફકત 7 ટકાનો જ વધારો થયો છે. કારણ કે, તેના સૌથી મોટા સ્ત્રોત સાઉદી અરબમાંથી આવતા નાણામાં ઘટાડો થયો છે. બાંગ્લાદેશમાં પણ પ્રવાસીઓ દ્વારા મોકલાવેલા નાણામાં 2018માં 15 ટકાનો જબરદસ્ત વધારો થયો છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવાયું છે કે, રેમિટેન્સમાં આ વધારો થયો છે તેની પાછળ અમેરિકાની આર્થિક હાલત સુધરી છે અને તેલની કિંમતોમાં વધારો થયો છે. તેલની કિંમતોમાં વધારો થતાં ગલ્ફ કો.ઓપરેશન કૌન્સિલ(GACC)ના અન્ય કેટલાય દેશોમાંથી બહાર મોકલાવેલા નાણાની સકારાત્મક અસર પડી છે. GACC બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યુએઈમાંથી બન્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી ડૉલર પોતાના દેશમાં મોકલવા માટે પ્રાવીસઓને હવે વધુ ખર્ચ કરવો પડે છે, આ સમયે રેમિટેન્સનો ખર્ચ અંદાજે 7 ટકા સુધી આવતો હતો. વર્ષ 2030 સુધી તે 3 ટકા સુધી લઈ જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.