નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે કહ્યું કે, સરકાર કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને નવા રોકાણ પર 15 ટકા ઘટાડેલા દરે કંપની વેરાનો લાભ લેવા સમયમર્યાદા વધારવાનો વિચાર કરશે.
ખાનગી રોકાણને આકર્ષવા અને ધીમી આર્થિક વૃદ્ધિને વેગ આપવા સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સના દરોમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો. 28 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો હતો.
આ અંતર્ગત, હાલની કંપનીઓ માટે મૂળભૂત કંપની વેરા દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દેવામાં આવ્યો છે અને 1 ઓક્ટોબર, 2019 પછી રચિત અને 31 માર્ચ, 2023 પહેલા પરિચાલન શરૂ કરનારી નવી મેન્યુફેક્ચરીંગ યુનિટ માટે કંપની કર દર 25 ટકાથી ઓછો કરીને 15 ટકા કરાયો છે.
સીતારામને કહ્યું, "હું જોઈશ કે શું થઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે, ઉદ્યોગ નવા રોકાણ પરના 15 ટકા કંપની વેરાનો લાભ લે અને હું 31 માર્ચ 2023ની સમયમર્યાદા વધારવાની વિનંતી પર ધ્યાન આપીશ."
કોરોના સંકટથી પ્રભાવિત વિસ્તારોમાં જીએસટી દરમાં ઘટાડા સંદર્ભે સીતારામને કહ્યું હતું કે, "ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટમાં ઘટાડાો મામલો કાઉન્સિલમાં જશે. જીએસટી કાઉન્સિલ પણ આવક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ ક્ષેત્ર માટે કાઉન્સિલે જીએસટી દર ઘટાડવાનો નિર્ણય કરી શકે છે. "