અર્થતંત્રને સુસ્તીમાંથી બહાર લાવવા માટે ગયા સપ્ટેમ્બરમાં કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. સ્વદેશી કંપનીઓ પરનો વાસ્તવિક કૉર્પોરેટ ટેક્સ 31-32%થી ઘટાડીને માત્ર 25.12% કરી દેવાયો હતો. નવી સ્થપાતી ઉત્પાદક કંપનીઓ પરનો અગાઉનો 25% વેરો ઘટાડીને માત્ર 15% કરી દેવાયો હતો.
કૉર્પોરેશન ટેક્સ, જીએસટી અને આવક વેરો આ ત્રણ સરકારના આવકના સૌથી મોટા સાધનો છે. તે પછી એક્સાઇઝ અને કસ્ટમ્સમાંથી આવક થતી હોય છે.
નવા જાહેર થયેલા અનુમાન અનુસાર આમાંથી એક પણ વેરામાં - કૉર્પોરેશન ટેક્સ, જીએસટી, આવક વેરો, આબકારી જકાત કે આયાત જકાત એકેયમાં લક્ષ્યાંક પાર પડી શકે તેમ નથી.
આ પાંચ મુખ્ય વેરામાંથી ચાર વેરામાં (જીએસટી, આવક વેરો, એક્સાઇઝ અને કસ્ટમ્સમાંથી) ગત વર્ષ કરતાં વધારે આવક થશે ખરી, પરંતુ કૉર્પોરેશન ટેક્સમાં અંદાજ ઊંધા પડવાના છે. તેમાં બજેટ અંદાજ કરતાં ઓછી આવક ઉપરાંત ગયા વર્ષની વાસ્તવિક આવક કરતાંય ઓછી આવક થવાની છે.
ધારણા પ્રમાણે જ ખાનગી મૂડીરોકાણને ઉત્તેજન આપવા માટે કૉર્પોરેશન ટેક્સ ઘટાડવાનો નિર્ણય સરકારને મોંઘો પડી રહ્યો છે અને તેના કારણે વેરાની આવકનું લક્ષ્યાંક સૌથી નીચે જઈ રહ્યું છે.
ગત બજેટમાં સરકારે અંદાજ મૂક્યો હતો કે 16.50 લાખ કરોડની વેરાની આવક થશે, પરંતુ વાસ્તવિક આવક માત્ર કેન્દ્રને માત્ર 15.05 લાખ કરોડની થવાની છે. સુધારેલા અંદાજ પ્રમાણે તેમાં સીધું જ 1.45 લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડવાનું છે.
કૉર્પોરેશન ટેક્સ ઘટાડતી વખતે સીતારમણે કહ્યું પણ હતું કે તેના કારણે માર્ચ 2020 સુધીના નાણાકીય વર્ષમાં સરકારને 1.45 લાખ કરોડ રૂપિયાની મહેસુલી ખાધ પડશે.
જોકે સુધારેલા અંદાજો પ્રમાણે એવું જોવામાં આવી રહ્યું છે કે માત્ર કૉર્પોરેટ ટેક્સમાં જ સરકારને 1.55 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
પોતાના પ્રથમ બજેટમાં કૉર્પોરેટ ટેક્સ બાબતમાં સીતારમણ બહુ આશાવાદી હતી અને એવું કહ્યું હતું કે વિક્રમી 7.66 લાખ કરોડની આવક થશે. કેન્દ્ર સરકાર માટે તે આવકનું સૌથી મોટું સાધન બનવાનું હતું. બીજા નંબરે જીએસટીની (6.63 લાખ કરોડ રૂપિયા) અને ત્યાર બાદ આવક વેરાની (5.69 લાખ કરોડ રૂપિયા) આવકનો અંદાજ હતો.
જોકે સુધારેલા અંદાજ પ્રમાણે ગયા વખતે સરકારને વાસ્તવમાં કૉર્પોરેટ ટેક્સની જે આવક થઈ હતી (6.63 લાખ કરોડ રૂપિયા), તેનાથી પણ ઓછી આવક થવાની છે.
જુલાઈ 2019માં નાણાં પ્રધાને અંદાજ મૂક્યો હતો કે તેમને આ વેરામાંથી 7.66 લાખ કરોડ રૂપિયાની આવક થશે, પરંતુ હવે અંદાજ પ્રમાણે 2019-20ના નાણાકીય વર્ષમાં 6.10 લાખ કરોડ રૂપિયાની આવક થશે, જે 20% ટકાનો ઘટાડો દર્શાવે છે.
એ જ રીતે આવક વેરાની આવકનો અંદાજ બજેટ હતો, તેનાથી આ વર્ષે 10,000 કરોડ રૂપિયાની ઓછી આવક થવાની છે.
સીતારમણે અંદાજ મૂક્યો હતો કે આવક વેરા દ્વારા 5.69 લાખ કરોડ રૂપિયા ઊભા થશે, જ્યારે સુધારેલા અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ દરમિયાવ હવે 5.59 લાખ કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે.
જોકે તેઓ એ વાતનો સંતોષ લઈ શકે છે કે ગયા વર્ષે આવક વેરામાંથી 4.73 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી, તેનાથી વધારે કમાણી થશે.
એવો જ ટ્રેન્ડ જીએસટીમાં જોવા મળી રહ્યો છે. સુધારેલા અંદાજ પ્રમાણે CGST અને IGST બંનેની મહેસુલ 6.12 લાખ કરોડ રૂપિયાની થશે. બજેટમાં 6.63 લાખ કરોડ રૂપિયાની આવકનો અંદાજ હતો, પણ તેમાં હવે 51,000 કરોડ રૂપિયાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.
જોકે એટલો સંતોષ લઈ શકાશે કે આવક વેરાની જેમ જીએસટીની આવક પણ ગયા વર્ષ કરતાં વધશે. ગયા વર્ષ જીએસટીની કુલ આવક 5.81 લાખ કરોડ રૂપિયાની જ થઈ હતી.
-કૃષ્ણાનંદ ત્રિપાઠી, સિનિયર પત્રકાર