નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની એરલાઇન વિસ્તારા બ્રિટન, જર્મની અને ફ્રાન્સની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, વિસ્તારા આ દેશોની સરકારો સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ ફ્લાઇટ્સ શરૂ કરશે.
આ મહિનાની શરૂઆતમાં, ભારત અને યુકે વચ્ચે એર બબલ ફ્લાઇટ્સ અંગે કરાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત બંને દેશોની એરલાઇન્સ કેટલાક પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરી શકે છે.
જુલાઈમાં ભારતે જર્મની અને ફ્રાન્સ સાથે સમાન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વિસ્તારાને શનિવારે તેનો બીજા B787-9 મોટા કદનું વિમાન મળ્યું હતું. આ આગાઉ તેને ફેબ્રુઆરીમાં તેનું પ્રથમ B787-9 વિમાન મળ્યું હતું. ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું કે, વિસ્તારાને લંડનના હિથ્રો એરપોર્ટ પર પહેલાથી જ સ્લોટ મળી ગયો છે. દિલ્હીથી લંડન સુધીની ફ્લાઈટ માટે ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
સૂત્રએ જણાવ્યું કે, દિલ્હી-લંડન ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ કાર્યરત રહેશે. મોટા વિમાનોમાં ઇંધણની ટાંકી મોટી હોય છે અને તે લાંબા અંતરની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. વિસ્તારાના ગ્રુપમાં 43 વિમાનનો સમાવેશ થાય છે, જેમાંથી 41 નાના કદના એ 320 નિયો અને બી 737-800 NG પ્રકારના વિમાન છે.
ઉડ્ડયન ઉદ્યોગના અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, પૂર્ણ-સેવા પ્રદાતા એરલાઇન ભારતથી જર્મની અને ભારત ફ્રાન્સ સુધીની ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. આ ફ્લાઇટ્સ માટે સંભવિત સ્થળો ફ્રેન્કફર્ટ અને પેરિસ હોઈ શકે છે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે દેશના કયા શહેરને ફ્રેન્કફર્ટ અને પેરિસ સાથે જોડવામાં આવશે. આ અંગે ખાનગી ક્ષેત્રની એરલાઇન્સને મોકલાયેલા પ્રશ્નોના જવાબ હજી સુધી મળ્યા નથી.