મુંબઇ:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં 100 બેડની ક્ષમતાવાળી ભારતની પ્રથમ કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ બનાવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બીએમસીના સહયોગથી મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સમર્પિત કોવિડ-19 સુવિધા સ્થાપિત કરી છે.
આ હૉસ્પિટલ માટે ફંડ રિલાયન્સ ફાઉડેશન દ્વારા આપવામાં આવ્યું હતું. કોવિડ-19 સુવિધામાં એક નેગેટિવ પ્રેશર રૂમ છે, જે ક્રોસ કન્ટમિનેશનને રોકવામાં મદદ કરે છે અને સંક્રમણને નિયંત્રિત કરે છે.
દરેક બેડ આવશ્યક સુવિધાઓથી સજ્જ છે. જેમાં વેન્ટિલેટર, પેસમેકર્સ, ડાયાલિસિસ મશીન અને પેશન્ટ મોનિટરીંગ ડિવાઇસ જેવા બાયોમેડિકલ સાધનો છે.
આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મહારાષ્ટના લોધીવલીમાં એક તમામ સાધનો સાથે એક આઇસોલેશન ફેસિલિટીની સુવિધાની પણ સ્થાપના કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ક્ષમતા વધારીને દરરોજ એક લાખ માસ્ક કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોવિડ 19 દર્દીઓને લઈ જતા વાહનોને મફત ઇંધણ પ્રદાન કરવા અને વિવિધ શહેરોમાં નિ:શુલ્ક ખોરાક પૂરો પાડવાની જાહેરાત કરી છે.