મુંબઇ: વિવિધ ક્ષેત્રે કાર્યરત ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રુપ ઈન્ડિયાબુલ્સ ગ્રૂપે તેના 2,000 કર્મચારીઓને કંપનીમાંથી રાજીનામું આપવાનું કહ્યું છે. જો કે, ગ્રુપે કહ્યું છે કે, તે કોઈ છટણી કરતા નથી પણ વાર્ષિક ધોરણે કંપની છોડનારા કર્મચારીઓના એટ્રિશન ચક્રનો એક ભાગ છે.
ઈન્ડિયાબુલ્સ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "કંપની સામાન્ય રીતે એપ્રિલ-મે દરમિયાન 10-15 ટકા મજૂર બળ ઘટાડો કરે છે. આ વર્ષે અમે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને ગૃહ મંત્રાલયની રાહ જોઇ હતી. પ્રક્રિયા હેઠળ, કંપની છોડીને જતા કર્મચારીઓ સિવાય કોઈ છટણી કરવામાં આવી નથી, આ કાર્યવાહી ફક્ત થોડા મહિના નહીં, પરંતુ આખા વર્ષનું પ્રદર્શન છે.
જોકે, ગ્રુપે આ અંગે કોઈ સંખ્યા આપી નથી. આ ગ્રુપમાં 26,000 લોકો કામ કરે છે. ગ્રુપે નાણાકીય વર્ષ 2019-20માં 7,000 નવા કર્મચારીઓને ઉમેર્યા છે.
તાજેતરમાં ગ્રુપની હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના કર્મચારીઓએ દાવો કર્યો હતો કે તેમના રિપોર્ટિંગ મેનેજરે તેમને 15 મેના રોજ કંપનીમાંથી રાજીનામું આપવાનું કહ્યું છે. કંપનીમાં તેનો અંતિમ દિવસ 31 મે 2020 નો રહેશે.
હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના કેટલાક કર્મચારીઓએ કહ્યું હતું કે, તેમને ત્રણ મહિનાની નોટિસ અવધિ પૂર્ણ કરવાની છૂટ પણ મળી નથી.
એક કર્મચારીએ કહ્યું, "અમારા નિમણૂક પત્રમાં બંને પક્ષો તરફથી ત્રણ મહિનાના નોટિસના સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે તેમને નોટિસનો સમયગાળો પૂરો કરવા વિનંતી કરી છે જેથી આ દરમિયાન નવી નોકરીઓ શોધી શકાય."
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, નોટિસનો સમયગાળો કર્મચારીઓના કરાર અનુસાર બદલાય છે. કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો હતો કે, તેઓએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યા બાદ બદલી કરવામાં આવી હતી.
એક કર્મચારીએ જણાવ્યું કે, તે કંપનીની નોઇડા ઓફિસમાં કામ કરે છે. તેમની બદલી દક્ષિણ ભારતમાં કરવામાં આવી છે અને 25 મેના રોજ ત્યાં ફરજ પર રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ સાથે આ મુદ્દે સતત ચર્ચા કરવામાં આવી રહી છે.