નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સોમવારે કહ્યું કે, નાની કારની બાબતમાં અલ્ટો કાર સતત 16મા વર્ષે સૌથી વધુ વેચાયેલી મોડલ કાર બની છે. વર્ષ 2019-20 દરમિયાન આ મોડેલની 1.48 લાખ કારનું વેચાણ કરવામાં આવ્યું છે. કંપનીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, અલ્ટો કાર સપ્ટેમ્બર 2000માં બજારમાં રજૂ કરવામાં આવી હતી અને 2004માં પહેલીવાર ભારતની સૌથી વધુ વેચાયેલી કાર બની હતી.
એમએસઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, અલ્ટોનો મજબૂત ગ્રાહક આધાર જ ગ્રાહકોમાં રહેલી લોકપ્રિયતાનું કારણ છે. ગ્રાહકે સમય જતાં બ્રાન્ડમાં કરવામાં આવેલા સુધારાની વિવિધ અપડેટની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મારુતિ સુઝુકી ગ્રાહકની બદલાતી ઇચ્છાઓ પર નજર રાખે છે અને એ આધારે જ ફેરફારો સાથે ઉત્પાદનો તૈયાર કરે છે.
તેમણે કહ્યું કે, નવા નિયમોને ધ્યાનમાં રાખીને હાલના નવી અલ્ટો કારમાં સુરક્ષાના તમામ માનક પગલા પર ધ્યાન દેવામાં આવ્યું છે. જેમાં એરબેગ્સ, એન્ટી-લૉક, બ્રેકિંગ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ વિતરણ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને ડ્રાઇવર બાજુમાં હાઇ સ્પીડ ચેતવણી સિસ્ટમ સામેલ છે. આ અંગે કંપનીનું કહેવું કે, કારમાં ઝડપી ટક્કર અને પગપાળા યાત્રીકોની સલામતીના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે.