- PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દર ઘટ્યા
- વ્યાજ દરમાં ઘટાડાના અનુમાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો
- પંચવર્ષીય વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર 0.9 ટકા ઘટીને 6.5 ટકા કરાયો
આ પણ વાંચોઃ પેમેન્ટ એપ મોબિક્વિકના 9.9 કરોડ ભારતીયોના બેન્કિંગ ડેટા લીક થયાનો દાવો
નવી દિલ્હીઃ સરકારે બુધવારે PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અને NSC (નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 એપ્રિલથી શરૂ 2021-22ના પહેલા ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં ઘટાડાના અનુમાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે. નાણા મંત્રાલયની સૂચના અનુસાર, PPF પર વ્યાજ 0.7 ટકા ઘટાડી 6.4 ટકા જ્યારે NSC પર 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરી દેવાયો છે. નાની બચત યોજનાઓ પર વ્યાજ ક્વાર્ટરના આધારે સૂચિત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટર ચાલી શકે છે આ કિયાની ઇલેક્ટ્રિક કાર
બચત ખાતામાં હવે 4 ટકાની જગ્યા માત્ર 3.5 ટકા વ્યાજ મળશે
નાણા મંત્રાલયનેી સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટર એપ્રિલ-જૂનના સમયગાળા માટે વિભિન્ન નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરાયો છે. પંચવર્ષીય વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર 0.9 ટકા ઘટીને 6.5 ટકા કરાયો છે. આ યોજના અંતર્ગત વ્યાજ ક્વાર્ટર પર આધારિત આપવામાં આવે છે. પહેલી વાર બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરાયો છે. અત્યાર સુધી બચત ખાતામાં 4 ટકા વ્યાજ મળતું હતું.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાના વ્યાજ પર પણ પહેલા ક્વાર્ટરમાં 0.7 ટકા ઘટાડો
એક વર્ષની મુદતની થાપણો પરના વ્યાજમાં મહત્તમ 1.1 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આના પર વ્યાજ 4.4 ટકા મળશે, જે અત્યાર સુધી 5.5 ટકા હતું. આ પ્રકારે 2 વર્ષ માટેની જમા થાપણો પર વ્યાજ 0.5 ટકા ઘટીને 5 ટકા, 3 વર્ષના સમયગાળા માટેની થાપણો પર 0.4 ટકા વ્યાજનો ઘટાડો કરાયો છે. જ્યારે 5 વર્ષ માટેની થાપણો પર વ્યાજ 0.9 ટકા ઘટાડીને 5.8 ટકા કરાયો છે. નાની બાળકીઓ માટેની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાના વ્યાજ પર 2021-22ના પહેલા ક્વાર્ટર માટે 0.7 ટકા ઘટીને 6.9 ટકા કરાયું છે. કિસાન વિકાસપત્ર પર વાર્ષિક વ્યાજ દર 0.7 ટકા ઘટાડીને 6.2 ટકા કરી દેવાઈ છે. અત્યાર સુધી આના પર વ્યાજ 6.9 ટકા હતું. નાણા મંત્રાલયે 2016માં વ્યાજ દર ક્વાર્ટર પર આધારે નક્કી કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નાની બચત યોજનાઓ પર વ્યાજ સરકારી બ્રાન્ડની વિચારણાથી જોડાયેલી છે.