- શેરબજારમાં ખૂલતાની સાથે જ વેચવાલી
- મહારાષ્ટ્રમાં વીકએન્ડ લોકડાઉનથી માર્કેટ પર નેગેટિવ અસર પડી
- નિફટી 229 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર બે તરફી વધઘટમાં અથડાઈ રહ્યું છે. એકાદ બે દિવસ તેજી તો એકાદ બે દિવસ મંદી રહે છે. પોઝિટિવ અને નેગેટિવ સમાચારો વચ્ચે ભારતીય શેરબજાર બે બાજુની વધઘટમાં ઝોલા ખાઈ રહ્યું છે. GSTની આવક વધી છે અને ઓટોમોબાઈલ સેકટરનું વેચાણ વધીને આવ્યું છે, તો સામે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને કારણે માર્કેટ અસંમજંસમાં મુકાઈ ગયું છે.
શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું
આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતાં હોવાના સમાચાર આવ્યા હતા. સવારે સેન્સેક્સ અને નિફટી 3 ટકા માઈનસમાં જ ખૂલ્યા હતા. બેંક, ફાઈનાન્સિયલ સર્વીસીઝ, ઓટો અને રીયાલીટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે બજાર ઝડપથી તૂટ્યું હતું. મહારાષ્ટ્રમાં વીક એન્ડમાં લોકડાઉન લદાયું છે. મોટાભાગના રાજ્યોએ સિનેમા, રેસ્ટોરન્ટ, સ્કૂલો બંધ કરી દેવાના આદેશ જાહેર કર્યા છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.
આ પણ વાંચોઃ શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સમાં 1114 પોઈન્ટનું ગાબડું
સેન્સેક્સમાં 870.51નું ગાબડું
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 50,029.83ની સામે આજે સવારે 50,020.91 ખૂલ્યો હતો, જે ટ્રેડિંગ સેશન દરમિયાન સામાન્ય વધી 50,028.67 થઈ અને ત્યાંથી ઝડપી ગગડીને 48,580.80 થઈ અને અંતે 49,159.32 બંધ થયો હતો. જે 870.51નું ગાબડુ દર્શાવે છે.
નિફટીમાં 229.55નું ગાબડું
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 14,867.35ની સામે આજે સવારે 14,837.70 ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 14,849.85 થઈ અને ત્યાંથી ઝડપી ગગડીને 14,459.50 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે14,637.80 બંધ થયો હતો, જે 229.55નું ગાબડુ દર્શાવે છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં ચિંતા કરવાની જરૂર નથી, ઘટાડે રોકાણ માટે છે સારી તકઃ દીપક શાહ
ટોપ ગેઈનર્સ
આજે સૌથી વઘુ ઊંચકાયેલા શેરમાં એચસીએલ ટેકનોલોજી(3.08 ટકા), ટીસીએસ(2.32 ટકા), ઈન્ફોસીસ(1.79 ટકા), ભારતી એરટેલ(1.40 ટકા) અને ટેક મહિન્દ્રા(0.55 ટકા)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર્સ
સૌથી વધુ ગગડેલા શેરમાં બજાજ ફાઈનાન્સ(5.81 ટકા) ઈન્ડુસઈન્ડ બેંક(5.64 ટકા), એસબીઆઈ(4.56 ટકા), એમ એન્ડ એમ(4.17 ટકા) અને એક્સિસ બેંક(3.93 ટકા)નો સમાવેશ થાય છે.