આઈસીઆઈસીઆઈ બેંકે જમા પર વ્યાજ દરમાં 0.10 ટકાથી 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એવી જ રીતે એક્સિસ બેંકમાં પણ જમા રકમ પર વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે બંધન બેંકે નાના લોન લેનારા માટે વ્યાજ દર 0.70 ટકા ઘટાડો કરીને 17.95 ટકા કર્યો છે. સંશોધિત દર લાગુ થઈ ચુક્યા છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક પણ જમા દરોની સમીક્ષા કરી રહી છે.
સામાન્ય રીતે જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડાથી બેંક દ્વારા લોન અપાય તેમાં પણ વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ. આ પગલાથી બેંકો પાસેથી લોન લેવી સસ્તી થાય છે. તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, અને આરબીઆઈએ કહ્યું હતું કે આ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી જવો જોઈએ. જેથી ધીમી પડેલી અર્થવ્યવસ્થામાં તેજી લઇ આવી શકાય.
પહેલી વાર એવું બન્યું છે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિયુક્તિ થયા પછી સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ડિસેમ્બરમાં ઊર્જિત પટેલના રાજીનામા પછી શક્તિકાંત દાસ ગવર્નર તરીકે નિમાયા હતા.