વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં 100થી વધારે ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓ, રાજનેતાઓ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ ભાગ લેશે. આ સંમેલનમાં દુનિયામાં એકતા લાવવા અને એકતાને જાળવી રાખવા શું કરવું જોઈએ તેના પર ચર્ચા કરવામાં આવશે.
WEF ની 50મી વર્ષગાંઠ છે. જેના અનુસંધાને આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં દિગ્ગજ નેતા પણ હાજર રહે તેવી સંભાવના છે. આ સંમેલન 20 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજવામાં આવશે. જેમાં સામેલ લોકોના નામની યાદી બાદમાં બહાર પાડવામાં આવશે. પંરતુ સંભાવના છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લદિમીર પુતિન સામેલ થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સંમેલનમાં 3000થી વધારે વૈશ્વિક નેતાઓ હાજર રહેવાનું અનુમાન છે.
આ સંમેલનમાં ભાગ લેવા ભારત તરફથી ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, રાહુલ બજાજ, કુમાર મંગલમ બિડલા, ટાટા સમુહના એન ચંદ્રશેખરન, સજ્જન જિંદલ, ઉદય કોટક, SBIના રજનીશ કુમાર, આનંદ મહિન્દ્રા, સુનિલ મિત્તલ, રવિ રુઈયા, તુલસી તાંતી અને નંદન નિલેકાણી આદીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જ્યારે દીપિકા પાદુકોણે લીવ લાઈફના ફાઉન્ડેશનના સંસ્થાપક તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ફાઉન્ડેશનનો હેતું માનસિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગુતિ લાવી તેના પ્રત્યો લોકોની માનસિકતા બદલવાનો છે. જોકે શાહરુખ ખાન અને કરણ જોહર આ સંમેલનમાં ભાગ લેતા હોય છે.