નવી દિલ્હી: ઓનલાઇન કેબ બુકિંગ સેવાઓ પ્રદાન કરનારી કંપની OLAના સીઇઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું છે કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે છેલ્લા બે મહિનામાં તેની સવારી, નાણાકીય સેવાઓ અને ખાદ્ય વ્યવસાયોથી થતી આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે, જેના પગલે 1,400 કર્મચારીઓને છૂટા કરશે.
કર્મચારીઓને મોકલેલા એક ઇમેઇલમાં અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે વ્યવસાયનું ભવિષ્ય ખૂબ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે અને ચોક્કસ આ કટોકટીની અસર આપણા પર લાંબા સમય સુધી રહેશે.
તેમણે કહ્યું, "વાઇરસની અસર ખાસ કરીને આપણા ઉદ્યોગ માટે ખરાબ રહી છે. છેલ્લા બે મહિનામાં આપણી કમાણીમાં 95 ટકાનો ઘટાડો થયો છે. સૌથી મોટી વાત એ છે કે આ કટોકટીએ આપણા લાખો ડ્રાઈવરો અને તેમના પરિવારોની આજીવિકાને અસર પહોંચી છે. "
અગ્રવાલે કહ્યું કે કંપનીએ 1,400 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઉબેર, ઝોમેટો અને સ્વિગી જેવી ટેકનોલોજી આધારિત કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. ઝોમાટોએ તેના 4,000 કર્મચારીઓમાંથી 13 ટકા કર્મચારીઓ છૂટા કર્યા છે, જ્યારે સ્વિગીએ કહ્યું છે કે તે વિશ્વભરમાં 3,000 લોકોને છૂટા કરશે. એવી જ રીતે, ઉબેરે પણ વિશ્વભરમાં 3,000 લોકોને છૂટા કર્યા છે.