સિંગાપોરઃ દુનિયામાં કુલ 199 દેશો કોરોનાના સપાટામાં આવી ચુક્યા છે. જેના કારણે આખી દુનિયાની આર્થિક ગતિવિધિ મંદ થઈ ગઈ છે. દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની માગમાં પણ ઘટાડો થવાથી ઓઈલના માર્કેટમાં તેની અસર પડી છે.
ભારત માટે મહત્વ ધરાવતા બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ 17 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. હાલમાં તેનો ભાવ 23 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ 25 ડોલર પર છે. છેલ્લા એક મહિનામાં તે 50 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યું છે. ચાલુ કેલેન્ડરમાં તે 60 ટકાનો ઘટાડો દર્શાવે છે. ત્યારે વાર્ષિક ધોરણે તેમાં 57 ટકાનો ઘટાડો દર્શાવે છે. ત્યારે વાર્ષિક ટોચ 76 ડોલરની હતી. ક્રૂડના ઘટાડાને કારણે બ્રેન્ટ અને ડબલ્યુટીઆઇ વચ્ચેનું પ્રિમીયમ પણ ઘટીને બે ડોલર નીચે જોવા મળી રહ્યું છે. જે સામાન્ય રીતે છેલ્લાં 10 વર્ષ દરમિયાન 5-15 ડોલરની રેન્જમાં જોવા મળતું હતું.
જાન્યુઆરીમાં યુએસ-ઇરાન વચ્ચે ઉભી થયેલી તંગદીલી પાછળ ક્રૂડના ભાવમાં એક દિવસનો દાયકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. જો કે, તેના કેટલાંક દિવસો બાદ ચીનના વહાન ખાતે કોરોના વાઇરસ આઉટબ્રેક બહાર આવ્યો હતો અને ક્રૂડના ભાવમાં ઉત્તરોત્તર ઘટાડો ચાલુ થયો હતો.
ફેબ્રુઆરી દરમિયાન ક્રૂડના ભાવ 55-60 ડોલરની રેન્જમાં ટકેલા રહ્યાં હતાં. જો કે, કોરોનાના યુરોપ અને યુએસ ખાતે પગપેસારા બાદ વિવિધ સરકારોએ હાથ ધરેલા લોકડાઉનને કારણે વૈશ્ર્વિક સ્તરે ટ્રાવેલિંગ નોંધપાત્ર પ્રમાણમાં થંભી ગયું હતું. જેની માઠી અસર ઉડ્ડયન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ભારત જેવા ક્રૂડ માટે નિકાસ પર અવલંબિત અર્થતંત્રો માટે કોમોડિટીમાં ભાવઘટાડો પોઝિટીવ પરિબળ છે. જેને કારણે સરકારને તેની ચાલુ ખાતાની ખાધ અંકુશમાં રાખવા માટે મોટી સહાય મળી રહેશે.
ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સીધો મતલબ થાય છે કે, સરકાર ધારે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડીને લોકોને રાહત આપી શકે છે. પરંતુ ભારત સરકારે હજુ સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી.