નવી દિલ્હી: ડેરી સપ્લાયર મધર ડેરી હવે બ્રેડ પણ વેચશે. વ્યવસાય વધારવાની તેની વ્યૂહરચનાના ભાગ રૂપે કંપનીએ આ પગલું ભર્યું છે. આગામી પાંચ વર્ષમાં તેની આવક બમણી કરતા વધુ 25,000 કરોડ સુધી વધારવાનો લક્ષ્યાંક છે.
દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મધર ડેરી દૂધ, આઈસ્ક્રીમ અને અન્ય દૂધ ઉત્પાદનોનો મોટો સપ્લાયર છે. તેણે પેકેટ દીઠ 15-40 રૂપિયાના ભાવે બજારમાં ત્રણ પ્રકારના બ્રેડ-સેન્ડવિચ લોન્ચ કર્યા છે.
મધર ડેરીની બ્રેડ શરૂઆતમાં તેના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સ્થિત મધર ડેરીમાં સ્પલાઇ કરવામાં આવશે. કંપની ત્રણ વર્ષમાં 100 કરોડ રૂપિયા આવક કરવાનો લક્ષ્ય ધરાવે છે. મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ વીડિયો કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે અમારા બ્રેડ ઓફરમાં અને બેકરી સેગમેન્ટમાં વિવિધતા લાવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે ભારતમાં બ્રેડ માર્કેટનું કદ હાલમાં રૂપિયા 5,300 કરોડ છે અને છેલ્લા પાંચ વર્ષથી તે સરેરાશ 10 ટકાના દરે વધી રહ્યો છે.
ચૌધરીએ કહ્યું કે, કંપનીએ બજારમાં આશરે 20 નવા ઉત્પાદનો રજૂ કર્યા છે, જેમાં પાંચ પ્રકારની મીઠાઇનો સમાવેશ થાય છે. કંપનીના હાલના વ્યવસાય અને ભાવિ દૃષ્ટિકોણ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, મધર ડેરીની હાલની વાર્ષિક આવક રૂ.પિયા 10,000 - 11,000 કરોડ જેટલી છે.
તેમણે કહ્યું કે, અમારો લક્ષ્ય 2025 સુધી 25000 કરોડ રૂપિયાનો છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોવિડ-19 ને કારણે વૃદ્ધિ ધીમી પડી ગઇ છે. તેમણે કહ્યું કે રોગચાળાને કારણે વપરાશની રીતમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં લોકો ઉત્પાદનોની ઘરેલું વિતરણને પ્રાધાન્ય આપે છે. ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસ હેડ સંજય શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં બ્રેડનું ઉત્પાદન તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પ્રથમ તબક્કામાં તે મધર ડેરીના 1,800 વેચાણ કેન્દ્રો દ્વારા વેચવામાં આવશે.
કંપની 'ધારા' બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે. રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે મધર ડેરીની શરૂઆત 1974 માં થઈ હતી.