નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો લાગે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. જેના પગલે આંતરરાષ્ટ્રિય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે.
આ પહેલા મૂડીઝે કહ્યું હતું કે, 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેશે પણ હવે આ અનુમાન ઘટાડીને 5.3 ટકા કરવામાં આવ્યુ છે. જ્યારે 2021માં ગ્રોથ રેટ 6.6 ટકાનો રહેશે તેવુ અનુમાન કરાયુ હતુ. જે હવે ઘટાડીને 5.8 ટકા રહેશે તેમ મૂડીઝનું કહેવું છે. એજન્સીએ કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે ઘરેલુ માગ પણ પ્રભાવિત થશે. સપ્લાય ચેન પર પણ અસર પડી રહી છે અને તેની સાથે દેશોનો એક બીજા સાથેનો વેપાર પણ અટકી રહ્યો છે. હાલમાં વિમાન સેવા, હોટલો, ક્રૂઝ લાઈનર, રેસ્ટોરન્ટો, મનોરંજન એમ તમામ પ્રકારના વ્યવસાય પર જોખમ આવી ગયુ છે. વાહન કંપનીઓ પણ પ્રભાવિત થઈ રહી છે. જો વાયરસનો પ્રભાવ વહેલી તકે ઓછો થશે તો એજન્સી પોતાના અનુમાન પર ફરી એક વખત વિચાર કરી શકે છે.
મૂડીઝે પહેલા ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું. પરંતુ હવે આ સતત ઘટતો જઇને 1.3 ટકા સુધી ઘટી ગયો છે. વર્ષ 2018માં દેશનો જીડીપી 7.4 ટકા જ હતો. 2019ની તુલનામાં 2020 અને 2021માં ભારતની અર્થવ્યવસ્થામાં સુધારની આશા દર્શાવાઇ રહી હતી, પરંતુ કોરોના વાયરસની અસરને પગલે મોટો ઝટકો લાગ્યો છે.
મંગળવારે રેટિંગ એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસને પગલે ઘરેલૂ ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત એક્સપોર્ટમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તેનાથી ભારતની અર્થવ્યવસ્થાની ગ્રોથમાં ઘટાડો થવાની આશંકા છે.
આ પહેલા 17 ફેબ્રુઆરીએ મૂડીઝે વિકાસ દરનું અનુમાન 6.6 ટકાથી ઘટાડી અને 5.4 ટકા કરી દીધું હતું. રેટિંગ એજન્સીનું અનુમાન છે કે કોરોના વાયરસના કારણે વિશ્વભરના અર્થતંત્રને અસર પડી છે.