રાજનીતિમાં પારદર્શિતા વધારવા માટે અને પ્રચાર દરમિયાન રોકડના ઉપયોગ પર નજર રાખવા માટે મોદી સરકાર ઈલેક્ટોરલ બોન્ડ લઈને આવી હતી. આ બોન્ડ સત્તામાં રહેલી ભાજપને સૌથી વધુ ફાયદો પહોંચાડનારા સાબિત થયા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
ઈલેક્ટોરલ બોન્ડ હાલ ફરક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી જ ખરીદી શકાય છે. એડીઆરના માહિતી અધિકાર(આરટીઆઈ) દ્વારા મળેલા જવાબ અનુસાર વીતેલા એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડના વેચાણમાં 62 ટકાનો ઉછાળો આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલ વકીલે એડીઆરની એક અરજી પર સુનાવણી કરતી વખતે સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠને ઈલેક્ટોરલ બોન્ડથી મળેલ ફંડની જાણકારી આપી હતી. ચૂંટણી પંચે દર્શાવ્યું છે કે ભાજપે જે રસીદ આપી છે તે અનુસાર ઈલેક્ટોરલ બોન્ડથી 210 કરોડ મળ્યા છે. અને અન્ય દળોને કુલ 11 કરોડનું ફંડ મળ્યું છે.
એડીઆર તરફથી રજૂ થયેલ વકીલ પ્રશાંત ભુષણે એવો તર્ક રજૂ કર્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડથી કોર્પોરેટ અને ઉદ્યોગ જગતને ફાયદો થઈ રહ્યો છે, અને આવા બોન્ડથી મળેલ ફંડનો 95 ટકા હિસ્સો ભાજપને મળે છે. એડીઆરે અલગઅલગ પક્ષોએ ચૂંટણી પંચને આપેલ ટેક્સનું વિવરણનું વિશ્લેષણ કર્યું હતું. એડીઆર નફો વગરના આધાર પર કામ કરનાર ચૂંટણી રિસર્ચ ગ્રુપ છે.
કોઈપણ દાતા પોતાની ઓળખ છુપાવીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એક કરોડ રૂપિયા સુઘીના મુલ્યના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી કરીને પોતાની પંસદ ધરાવતા રાજનૈતિક પક્ષને બેંક ખાતામાં જમા કરી શકે છે. આ વ્યવસ્થા દાતાઓની ઓળખ છુપાવી રાખે છે અને ટેક્સમાં પણ તે છૂટ મેળવી શકે છે.
ચૂંટણી પંચે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ જેવી અજ્ઞાત બેંકિંગ વ્યવસ્થા દ્વારા રાજનૈતિક ફંડિંગને લઈને સંદેહ છે. પણ કેન્દ્ર સરકારે આ દાવાની સાથે આ બોન્ડની શરૂઆત કરી હતી કે તેનાથી રાજનૈતિક ફંડિંગમાં પારદર્શિતા વધશે અને ચોખ્ખુ નાણું આવશે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ જાન્યુઆરી 2018માં લખ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડની યોજના રાજનૈતિક ફંડિંગની વ્યવસ્થામાં ચોખ્ખા નાણા લાવશે અને પારદર્શિતા વધશે, તેના માટે આ બોન્ડ યોજના લાવવામાં આવી છે.