નાણાંપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલની બેઠક 20 સપ્ટેમ્બરના રોજ ગોવામાં યોજાશે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ શામેલ હશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિવિધ ઉદ્યોગો અર્થતંત્રમાં આવેલી મંદી દૂર કરવા જીએસટીમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને, બિસ્કીટથી લઈને ઑટો ઉદ્યોગ અને એફએમસીજી અને હોટલ ક્ષેત્રે જીએસટી દર ઘટાડવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે ઘરેલું માંગ અને વપરાશ વધારવા માટે જીએસટી દર ઘટાડવો જોઈએ.
આ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ ક્ષેત્ર માટે કર ઘટાડવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ આવે છે તો તેઓ પહેલા મહેસૂલની સ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ કોઈ નિર્ણય લેશે.
ઉલ્લેખનિય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 6 વર્ષના તળિયે પહોંચી ગયો છે. જો કે સરકારે આર્થિક વિકાસને વેગ આપવા માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરી છે.