નવી દિલ્હીઃ વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે મંગળવારે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ અને એજન્સીઓને સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડવા માટે સરકારના ઇ-માર્કેટ પ્લેસ (જેમ) પર સ્ટાર્ટઅપ્સએ નોંધણી કરાવવી જોઈએ.
રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં ગોયલે જણાવ્યું હતું કે, સરકારી ખરીદી માટેનું આ પારદર્શક મંચ 2016માં શરૂ કરવામાં આવ્યું હતુ અને અત્યાર સુધીમાં 4,000 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે.
જેમ(Government emarketplace) પરનું કુલ ટર્નઓવર કેટલાય લાખ કરોડ પર પહોંચી ગયું છે. હું બધા સ્ટાર્ટઅપ્સને GeM પર તેમના ઉત્પાદનો અને સેવાઓની નોંધણી કરવા માટે અપિલ કરું છું. આની સાથે, નાના સ્ટાર્ટઅપ્સ સરકારી સંસ્થાઓ, કંપનીઓ, રાજ્ય સરકારી સંસ્થાઓ, હોસ્પિટલો, શાળાઓ અને કોલેજોમાં તેમની સેવાઓ પ્રદાન કરી શકશે અને તેમની આવક વધશે.
ગોયલે કહ્યું કે, રેલ્વે, એરપોર્ટ સેવાઓ, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ માટે ઘણી તકો છે. આ દરમિયાન તેમણે કૃષિ, શિક્ષણ, ઊર્જા, નાણા, અવકાશ અને સુરક્ષા ક્ષેત્રોને લગતા 12 ક્ષેત્રોની 35 કેટેગરીમાં એવોર્ડ આપ્યા હતા.