નવી દિલ્હી: સરકાર માત્ર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) નહીં પણ અર્થતંત્રના તમામ ક્ષેત્રો માટેના પેકેજ પર કામ કરી રહી છે. માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ ગિરિધર અરમાને ગુરુવારે આ માહિતી આપી.
સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ સંસ્થાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક પેકેજ આપવામાં આવશે. સરકાર તેના પર કામ કરી રહી છે. કેન્દ્રીય એમએસએમઈ અને માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, ટૂંક સમયમાં જ પેકેજની જાહેરાત કરવામાં આવશે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વિવિધ વર્તુળોના પેકેજોની માંગ વધી રહી છે.
વિવિધ ઉદ્યોગ સંગઠનો અને એમએસએમઇ ક્ષેત્રના નિષ્ણાતો આ પેકેજની માંગ કરી રહ્યાં છે. એમએસએમઇ ક્ષેત્રનો દેશના વિકાસના 29 ટકા અને નિકાસમાં 48 ટકા હિસ્સો છે. આ ક્ષેત્ર રોજગાર આપવામાં પણ ખૂબ આગળ છે. જો કે, કોરોના વાઇરસને કારણે આ ક્ષેત્રમાં ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોબ કટ થવાની સંભાવના પણ છે.