નવી દિલ્હી: ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ હવે જરૂરી ઉત્પાદનો નથી કારણ કે તેમનો દેશમાં પુરવઠો પૂરતો છે અને તેથી તેમને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 ના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ગ્રાહક બાબતોની સચિવ લીના નંદને મંગળવારે આ સંદર્ભે માહિતી આપી હતી.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે 13 માર્ચે કોરોનો વાઇરસના ફેલાવાને રોકવા માટે, પુરવઠો વધારવા અને આ વસ્તુઓના સંગ્રહખોરીને રોકવા માટે ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સને 100 દિવસ સુધી જરૂરી ચીજો જાહેર કરી હતી.
નંદને કહ્યું, "આ બંને ઉત્પાદનોને 30 જૂન સુધી આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે દેશમાં તેનો પુરતો પુરવઠો હોવાને કારણે અમે તેને આગળ વધારી રહ્યા નથી." તેમણે કહ્યું કે રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "અમે તમામ રાજ્યોમાં તપાસ કરી છે અને તેમની પાસેથી માહિતી મેળવી છે કે આ બંને ચીજોનો પુરતો પુરવઠો છે. સપ્લાય અંગે કોઈ ચિંતા નથી."