ખેડૂતોને તકેદારી રાખવા હવામાન વિભાગની અપીલ
આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના
પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે
બારડોલી : હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાની અસરથી આગામી 24 કલાક સુધીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ઉત્તર- ઉત્તરપૂર્વીય દિશા તરફ આગળ વધવાની શક્યતા છે જેને કારણે આગામી 5 દિવસ દરમિયાન સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના તેમજ પવનની ગતિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લાના અમુક ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
તારીખ 16 મે અને 18 મે ના રોજ સુરત જિલ્લામાં અમુક ક્ષેત્રોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપરાંત તારીખ 16મે અને 17 મે રોજ રાત્રિ તાપમાનમાં વધારો થઈ શકે છે.
ખેડૂતોને ઉત્પાદનનો વ્યવસ્થિત સંગ્રહ કરી લેવા જણાવાયું
હાલમાં સર્જાયેલા વાવાઝોડાની સ્થિતિને કારણે વધુ ઝડપથી પવનો ફૂંકાવાની શક્યતા શેરડીના પાક ઢળી ના પડે તે માટે તકેદારી રાખવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત તારીખ 16 અને 18મે ના રોજ સુરત જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. હાલમાં જે ઉનાળુ ડાંગર, મગ જેવા પાકોની કાપણી ચાલી રહી છે તે ઉત્પાદનનું નુકસાન ઘટાડવા વ્યવસ્થિત સંગ્રહ કરી લેવા અંગે પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
જિલ્લાના 9 તાલુકામાં શું રહેશે સ્થિતિ?
તાલુકાવાર હવામાનની જો વાત કરવામાં આવે તો બારડોલીમાં આગામી 16 અને 18 મે, ચોર્યાસી, ઓલપાડ, ઉમરપાડા અને કામરેજમાં 17 અને 18 મે, માંડવીમાં 18 મે, પલસાણામાં 16,17 અને 18 મેના રોજ હળવા વરસાદ પાડવાની સંભાવના છે. જ્યારે માંગરોળ અને મહુવામાં 18 મેના રોજ મધ્યમ વરસાદ પાડવાની સંભવાના સેવાઇ રહી છે. આ દિવસો દરમ્યાન જિલ્લામાં 8 થી 40 કિમી/કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે.