સાબરકાંઠા: જિલ્લાની કોરોના તબીબી ટીમે કુલ 76 દર્દીઓને કોરોના મુક્ત કર્યા છે. તેમાં સોમવારે એક સાથે ૨૦ કોરોનાના દર્દીઓને સાજા કર્યા છે. આ સ્વસ્થ થયેલા દર્દીઓમાં બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષના વૃદ્ધા સુધી કોરોનાના દર્દીઓને સારવાર થકી રાહત મળી છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર એમ ત્રણ જગ્યાએ કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સારવારને અંતે ૭૬ દર્દી સારવાર લઈ ઘરે સાજા થઈ ગયા છે.
તારીખ ૧ જુન ના રોજ ૨૦ જેટલા દર્દી સાજા થયા જેમાં કોવિડ કેર સેન્ટરના ૧૨ દર્દી અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હિંમતનગર ખાતેથી અન્ય ૮ દર્દી સાજા થઈ ઘરે ગયા. જેમાં હિંમતનગર તાલુકાના- ૧ પ્રાંતિજના- ૭, તલોદના- ૧, વડાલીના-૫, ખેડબ્રહ્માના -૫, પોશીના-૧ એમ ૨૦ દર્દી કોરોનાને માત આપી છે જેના પગલે જિલ્લામાંથી કુલ ૭૬ દર્દી કોરોના મુક્ત બન્યા છે.
જો કે આગામી સમયમાં કોરોના પોઝિટિવ સામે જિલ્લા વહીવટી તંત્ર વધુ મજબૂત બને તેવી સંભાવના છે.