નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે ત્રણ દેશો પાસેથી સહયોગ માંગ્યો છે. દિલ્હી પોલીસે કઝાકિસ્તાન, મંગોલિયા અને ઈન્ડોનેશિયાના કુસ્તી મહાસંઘને નોટિસ મોકલી છે. જેમાં ઈવેન્ટ દરમિયાન વીડિયો, સીસીટીવી ફૂટેજ અને ફોટાની માંગણી કરી છે. મહિલા રેસલર્સે આ દેશોમાં આયોજિત ઈવેન્ટ દરમિયાન સાંસદ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસને 15 જૂન સુધીમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસે વધુમાં વધુ પુરાવા એકત્ર કરવા માટે આ પહેલ કરી છે.
ત્રણ રેસલરના આરોપ: વર્ષ 2022માં મંગોલિયામાં આયોજિત એશિયન ચેમ્પિયનશીપ દરમિયાન એક કુસ્તીબાજે બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અન્ય એક રેસલરે વર્ષ 2016માં મંગોલિયામાં આયોજિત ચેમ્પિયનશિપમાં છેડછાડનો આરોપ લગાવ્યો છે. ત્રીજા રેસલરે વર્ષ 2018માં ઈન્ડોનેશિયામાં આયોજિત એશિયન ગેમ્સ દરમિયાન શરણસિંહ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. ત્રીજા રેસલરે કઝાકિસ્તાનમાં તેના પર છેડતીનો આરોપ લગાવ્યો છે.
230 થી વધુ લોકોના નિવેદન: દિલ્હી પોલીસ આ મામલામાં 15 જૂન અથવા તે પહેલા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આ કેસમાં દિલ્હી પોલીસે આક્ષેપ કરનાર તમામ ખેલાડીના નિવેદન લીધા છે. આ સિવાય વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજ, કોચ અને રેફરી સહિત 230 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત પોલીસે સાંસદના સાથીદારો, યુનિયનના પદાધિકારીઓ અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન પણ લીધા છે.