વોશિંગ્ટન: વિશ્વ બેંકે (The World Bank) વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.5 ટકા કર્યું છે. તેનું કારણ વધતી જતી મોંઘવારી, સપ્લાય સિસ્ટમમાં વિક્ષેપ અને રુસો-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક તણાવને કારણભૂત ગણવામાં આવે છે. આ બીજી વખત છે જ્યારે વિશ્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો છે. અગાઉ એપ્રિલમાં વિકાસ દરનો અંદાજ 8.7 ટકાથી ઘટાડીને 8 ટકા કરવામાં આવ્યો હતો. હવે તેને વધુ ઘટાડીને 7.5 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 8.7 ટકા હતો.
આ પણ વાંચો: RBI Repo Rate Hike : RBIએ આપ્યો નવો ઝટકો, હવે લોન થશે મોંઘી
ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી કરવામાં આવી : વિશ્વ બેંકે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સના તાજેતરના અંકમાં જણાવ્યું હતું કે, 'વધતી મોંઘવારી, પુરવઠા પ્રણાલીમાં વિક્ષેપ અને રૂસો-યુક્રેન યુદ્ધથી વૈશ્વિક તણાવ જેવા પડકારોને ધ્યાનમાં રાખીને, નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે. આ કારણોને લીધે, સેવા વપરાશમાં રોગચાળા પછીની વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર થશે.
સરકારી રોકાણ દ્વારા ટેકો મળશે : વૃદ્ધિને ખાનગી અને સરકારી રોકાણ દ્વારા ટેકો મળશે. વેપારી વાતાવરણને સુધારવા માટે સરકારે પ્રોત્સાહનો અને સુધારાની જાહેરાત કરી છે. આર્થિક વિકાસ દરનો તાજેતરનો અંદાજ જાન્યુઆરીમાં અપેક્ષિત કરતાં 1.2 ટકા ઓછો છે. વિશ્વ બેંક અનુસાર, આગામી નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વિકાસ દર વધુ ધીમો પડીને 7.1 ટકા થવાની ધારણા છે.
મોંઘવારી વધવી એ મુખ્ય પડકાર : વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં 2022ના પહેલા 6 મહિનામાં વિકાસ દર ધીમો પડવાનું કારણ કોવિડ 19ના કેસોમાં વધારો છે. જેના કારણે હિલચાલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ સિવાય યુક્રેન યુદ્ધની પણ અસર જોવા મળી છે. પુનરુત્થાનના માર્ગમાં મોંઘવારી વધવી એ મુખ્ય પડકાર છે.
વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસ : તેમાં કહેવામાં આવ્યું છે કે, બેરોજગારીનો દર મહામારી પહેલાના સ્તરે આવી ગયો છે, પરંતુ શ્રમ દળની સહભાગિતા દર હજુ પણ પૂર્વ રોગચાળાના સ્તરોથી નીચે છે. કામદારો ઓછા પગારવાળી નોકરીઓ તરફ જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને શ્રમ નિયમોને સરળ બનાવવામાં આવી રહ્યા છે. સાથોસાથ, ઓછી કામગીરી કરતી સરકારી સંપત્તિઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને આધુનિક અને સંકલિત કરવાની અપેક્ષા છે. વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે અહેવાલના પ્રસ્તાવનામાં લખ્યું છે કે, અનેક કટોકટી પછી લાંબા ગાળાની સમૃદ્ધિ ઝડપી આર્થિક વૃદ્ધિ તરફ પાછા ફરવા અને વધુ સ્થિર અને નિયમો આધારિત નીતિ વાતાવરણ પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: નિષ્ણાંતોનું મંતવ્ય, મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારો કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર
વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દરમાં થયો ઘટાડો : વિશ્વ બેંકે પણ વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે વૈશ્વિક આર્થિક વિકાસ દર 2.9 ટકા રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષે 2021માં 5.7 ટકા અને આ વર્ષે જાન્યુઆરીમાં 4.1 ટકાના વિકાસના અનુમાન કરતાં ઓછું છે. વિશ્વ બેંકે અમેરિકા માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 2.5 ટકા કર્યું છે. અમેરિકા પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનનો આર્થિક વિકાસ દર ગયા વર્ષે 8.1 ટકાની સરખામણીએ આ વર્ષે 4.3 ટકા રહેવાનો અંદાજ છે.