નવી દિલ્હી : મહિલા આરક્ષણ બિલ પસાર કરવા બદલ શ્રેયનો દાવો કરનાર ભાજપનો સામનો કરવા કોંગ્રેસે OBC વસ્તી ગણતરીનો મુદ્દો ઉછાળવાનું શરૂ કર્યું છે. આ બિલ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા ક્વોટાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસ કલ્યાણ એજન્ડામાં વિવિધ જૂથોની હિસ્સેદારી નક્કી કરવા માટે નવી જાતિના આધારે જનગણતરીની માંગ કરી રહી છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડીયામાં વધુ એકતા બનાવવા અને 2024 ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા ભાજપનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરીમાં અને 33 ટકા મહિલા અનામતમાં ક્વોટાના મુદ્દા પર આધાર રાખી કહી છે.
મહિલા આરક્ષણનો ભૂતકાળ : શરૂઆતમાં આ બિલ અગાઉની યુપીએ સરકાર દરમિયાન 2010માં રાજ્યસભામાં પસાર થયું હતું. પરંતુ કોંગ્રેસના સહયોગી પક્ષ એસપી, આરજેડી અને ભાજપે પણ આ કાયદાનો વિરોધ કર્યો હતો. જેના કારણે બિસ પસાર થઈ શક્યું નહોતું. એસપી અને આરજેડી કુલ 33 ટકા અનામતમાં એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે ક્વોટાની માંગ કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે તેમના મંતવ્યો સ્વીકાર્યા ન હતા. જોકે, વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાની આગેવાની કરતી કોંગ્રેસે તાજેતરમાં તેનું વલણ બદલ્યું છે. કોંગ્રેસે મહિલા અનામત બિલમાં ક્વોટાની અંદર ક્વોટાની માંગણી કરી છે.
સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને DMK જેવા પક્ષો પણ મહિલા અનામત બિલમાં કુલ 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને OBC માટેના ક્વોટાની અમારી માંગને સમર્થન આપે છે. -- અજય યાદવ (પ્રમુખ, AICC OBC)
અજય યાદવનું નિવેદન : AICC OBC વિભાગના પ્રમુખ અજય યાદવે જણાવ્યું હતું કે, ઈન્ડીયા ગઠબંધન આ મુદ્દા પર એકજૂટ છે. આવનારા દિવસોમાં અમે નવેસરથી જાતિ ગણતરી અને ક્વોટાની અંદર ક્વોટાની માંગ પર જોર આપતા રહીશું. બીજેપી બિલ પાસ કરાવવાનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના પક્ષોએ સંસદમાં આ કાયદાને ટેકો આપ્યો હતો. અન્યથા બિલને આટલું જબરદસ્ત સમર્થન મળવું શક્ય નહોતું.
વિપક્ષી ગઠબંધનનો વાયદો : અજય યાદવે કહ્યું કે, તમે જુઓ, જાતિની વસ્તી ગણતરી અમારા સામાજિક ન્યાયના એજન્ડામાં છે. ફેબ્રુઆરીમાં રાયપુરમાં પૂર્ણ સત્રમાં પસાર કરાયેલા ઠરાવમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો દેશમાં અલગ-અલગ જ્ઞાતિ જૂથોની માહિતી નહીં હોય તો સામાજિક ન્યાય કેવી રીતે પ્રાપ્ત થશે ? યુપીએએ જાતિ ગણતરી હાથ ધરી હતી પરંતુ સરકારે હજુ સુધી આંકડા જાહેર કર્યા નથી. જ્યારે 2024 માં ગઠબંધન ઈન્ડિયા સત્તામાં આવશે, ત્યારે અમે OBC મુદ્દાઓના ઉકેલની ખાતરી કરવા માટે નવી જાતિના આધારે વસ્તી ગણતરી કરીશું.
રાહુલ ગાંધી દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો અત્યંત મહત્વપૂર્ણ છે અને સ્પષ્ટપણે જણાવે છે કે પાર્ટી શું વિચારે છે અને કલ્પના કરે છે. -- ગુરદીપ સપ્પલ (AICC પદાધિકારી)
ક્વોટાની અંદર ક્વોટાની માંગ : ક્વોટાની અંદર ક્વોટાની માંગ સૌપ્રથમ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવી હતી. લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ તે માંગ કરવામાં આવી હતી. AICCના સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે રાજ્યસભામાં પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યું કે, યુપીએના મહિલા અનામત બિલમાં ક્વોટાની અંદર કોઈ ક્વોટા નથી. પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે સુધારેલી સ્થિતિ કોંગ્રેસને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં વધુ એકતા બનાવવાની મંજૂરી આપશે.
સામાજિક ન્યાય જરુરી : AICC OBC વિભાગના વડાએ કહ્યું કે, પક્ષ જાતિની વસ્તી ગણતરી અને ક્વોટાની અંદરના ક્વોટાના મુદ્દાઓ પર રાજકારણ નથી કરી રહ્યો, માત્ર તેના સામાજિક ન્યાયના એજન્ડાને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ક્વોટાની અંદર ક્વોટા જરૂરી છે. નહીં તો SC, ST અને OBC મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામતનો લાભ મળી શકશે નહીં. ભાજપે બિલ પાસ કરી દીધું છે પરંતુ તેના માટે કોઈ સમયરેખા આપી નથી. અમે ઇચ્છીએ છીએ કે 2024 ની લોકસભા ચૂંટણીથી 33 ટકા ક્વોટા લાગુ કરવામાં આવે.