નવી દિલ્હીઃ કોર્ટ જ્યારે સરકારી અધિકારીઓને સુનાવણીમાં હાજરી આપવા જે સમન્સ પાઠવે છે તેના માટે સુપ્રીમ કોર્ટ ચોક્કસ ગાઈડ લાઈન તૈયાર કરશે. ન્યાયાધિશ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ જણાવે છે કે, સરકારી અધિકારીઓને સમન્સ મોકલવા કેટલીક ગાઈડ લાઈન્સ નક્કી કરશે જેમાં કેટલીક પેન્ડિંગ મેટર્સનું બાયફરકેશન પણ કરાશે.
અલ્હાબાદના બે સરકારી અધિકારીઓને સમન્સનો મામલોઃ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બે સરકારી અધિકારીઓને કોર્ટની અવમાનના બદલ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં સરકારી અધિકારીઓને સમન્સ પાઠવવાની બાબતમાં ગાઈડ લાઈન્સ બનાવવાની રજૂઆત થઈ છે. જૂનમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના નાણા સચિવ એસએમએ રિઝવી અને વિશેષ સચિવ સરયુ પ્રસાદ મિશ્રાને નિવૃત્તિ બાદના લાભો આપતા આદેશોનું પાલન ન કરવા બદલ કસ્ટડીમાં લેવાયા હતા. બેન્ચ કહે છે કે, પેન્ડિંગ કેસ માટે સરકારી અધિકારીઓને સમન્સની જરૂર નથી.
સોલિસિટર જનરલ દ્વારા એસઓપી(SOP)નો અનુરોધઃ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારી અધિકારીઓ માટે કોર્ટની કાર્યવાહીમાં અથવા સરકાર વિરૂદ્ધની કાર્યવાહીમાં હાજર રહેવા માટે એક એસઓપીની દરખાસ્ત કરી હતી. એસઓપી મુજબ જ્યારે સરકારી અધિકારી પાસે સંબંધિત કેસમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હોય ત્યારે અધિકારીને રૂબરૂ હાજર રહેવા નોટિસ પાઠવવી, પૂરતો સમય આપવો અને અગાઉથી સૂચના આપવી. તેમજ અદાલતો સરકારી અધિકારીના પહેરવેશ, શારીરિક દેખાવ, શૈક્ષણિક અને સામાજિક પૃષ્ઠભૂમિ પર ટિપ્પણી કરવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.
એસઓપી પર કેન્દ્ર સરકારઃ આ એસઓપીને પરિણામે ન્યાયિક આદેશોના પાલનની ગુણવત્તા સુધરશે. તેમજ ન્યાયતંત્ર અનને સરકાર વચ્ચે વધુ અનુકુળ વાતાવરણ બનાવવાનો છે.
વીડિયો કોન્ફરન્સનો વિકલ્પઃ કેન્દ્ર સરકારે કોર્ટને વિનંતી કરી હતી કે કોર્ટના અવમાન જેવા કેસો ઉપરાંત રિટ, પીઆઈએલની સુનાવણીમાં સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાની અનુમતિ મળે. જોકે વીડિયો કોન્ફરન્સ સંદર્ભે તેમને સંયમતાથી વર્તવાનું રહેશે.