હૈદરાબાદ :નસો આપણા શરીરના વિવિધ ભાગોમાંથી ડિઓક્સિજેનેટેડ લોહી આપણા હૃદયમાં લઈ જાય છે, જ્યાંથી તેને ઓક્સિજન મેળવવા માટે ફેફસામાં મોકલવામાં આવે છે. લાંબો સમય ઊભા રહેવાથી આ લોહીનું પરિભ્રમણ પગના નીચલા હિસ્સામાં સ્થગિત થઈ શકે છે અને તેને વેરિકોઝ વેઇન્સ કહે છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ જેવા વ્યાવસાયિકોને તેમજ ગૃહિણીઓ, જેમને કલાકો સુધી ઊભા રહીને કામ કરવાનું હોય, બસ કન્ડક્ટર્સ, સેલ્સમેન વગેરેમાં આ જોવા મળે છે.
તેની તપાસ કરાવવી શા માટે મહત્ત્વની છે?
- તમને સૌંદર્યમાં વિક્ષેપ સિવાય તેનાથી કોઈ સીધી સમસ્યા ન હોય તો પણ વેરિકોઝ વેઇન્સ સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો અપ્રત્યક્ષ સ્ત્રોત હોઈ શકે છે અને જો તેની સારવાર કરવામાં આવે નહીં તો તે ભાગમાં ખંજવાળ આવે છે, ખરજવું થાય છે અથવા તો અલ્સર થાય છે અથવા તો તે ભાગમાં રુઝાય નહીં તેવો ઘા પડી જાય છે.
- ઘણીવાર, આ પરિસ્થિતિ માટે લક્ષણોના સ્વરૂપે કોઈ ચોક્કસ ચેતવણીનાં ચિહ્નો મળતાં નથી. આમ, તે એક છુપાયેલી સમસ્યા છે.
- તેનાથી પીડાદાયક અથવા પીડામુક્ત એવી વિનસ બ્લડ સરક્યુલેશનની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, જે એડીમા (પગને સોજા ચડવા), સ્નાયુઓની નબળાઈ, અસ્વસ્થ પગ વગેરે જેવી અન્ય વિવિધ અસરો કરે છે.
- નસોની દીવાલનું કાર્ય નબળું પડતાં અસરગ્રસ્ત હિસ્સાને પોષણ પૂરું પાડવામાં સમસ્યાઓ સર્જાય છે.
- સ્નાયુ ખેંચાઈ જવા અને નબળા પડી જવા જેવી સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે અને તેનાથી સાંધાઓને વધુ નુકસાન થઈ શકે છે તેમજ દૈનિક કામકાજ પણ ખોરવાય છે.
- થાક લાગવો; હા, તેને કારણે થાક લાગી શકે છે અને રક્ત પરિભ્રમણ નબળું હોવાથી અસ્વસ્થતા થઈ શકે છે.જેને પરિણામે ટિસ્યુને ઓક્સિજન ઓછો પહોંચે છે અને છેલ્લા તબક્કામાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
શું કરવું અને શું ન કરવું
- લાંબા સમય સુધી બેસવું કે ઊભા રહેવું નહીં. પગ સતત લટકતા રહેવાથી સ્થિતિ વધુ ખરાબ બની શકે છે કેમકે તેમાં પગની ઘૂંટી અને તળિયાના ભાગમાં વધુ લોહી એકત્ર થાય છે.
- ખાંડ ખાવી જોઈએ નહીં અને પ્રોટિનનું પ્રમાણ તપાસતા રહેવું જોઈએ.
- એને કામચલાઉ સમસ્યા ગણવી જોઈએ નહીં. કાળજી માટે સાવધાન અને સક્રિય રહો.
- ખાસ કરીને, જો તમારા પરિવારનો ઈતિહાસ હોય અથવા તો તમે લાંબો સમય ઊભા રહેતા હો, તો પીડા થાય અથવા વધુ જટિલતા દેખાય ત્યાં સુધી રાહ ન જુઓ.
- સૂર્ય પ્રકાશ કે ગરમ પાણીના શેક લાંબો સમય ન કરો. તેને લાંબા સમય માટે ગરમાવો મળવો જોઈએ નહીં. ફિઝિયોથેરાપિસ્ટના નિરીક્ષણ સિવાય ગરમ પાણીના શૅક ન લેવા. અતિશયોક્તિ તમારા માટે નુકસાનકારક નીવડી શકે છે, કેમકે તેનાથી નસો પાતળી થાય છે.
- ધૂમ્રપાન ન કરવું અથવા દારૂનું સેવન ન કરવું. તે ખરેખર ખૂબ ભયજનક બની શકે છે.
- ભારે વજન ઉંચકવું નહીં. તેના માટે શક્તિ અને સારું રક્ત પરિભ્રમણ હોવું જરૂરી છે; આમ, કોઈ પણ પ્રકારનું વજન ઉપાડવાનું ટાળો.
- અસરગ્રસ્ત હિસ્સાને તમારી જાતે અથવા નોનમેડિકલ વ્યક્તિની સલાહથી મસાજ ન કરો. મહેરબાની કરીને નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શન લો.
- દરરોજ ચાલવાનું રાખો અથવા દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચ દિવસ ચાલો.
- દરરોજ તમારા પગ અને પગના તળિયાં - પંજા ખેંચો, ખાસ કરીને, લાંબો સમય બેઠા હો અથવા ઊભા રહ્યા હો તે પછી.
- કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ (દર્શાવ્યા મુજબ) પહેરો.
- ન્યુટ્રિશનલ લેવલ તપાસો, કોઈ પણ વિટામીનની ઉણપ માટે બ્લડ ટેસ્ટ કરાવવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. (સલાહ મુજબ જ અનુસરો).
- અન્ય બીમારી માટે પણ તપાસ કરાવો અને વેરિકોઝ વેઇન્સ સિવાય શરીરમાં કોઈ પણ તકલીફ હોય તે માટે તપાસ કરાવો.
- રક્ત પરિભ્રમણમાં ઓક્સિજનનું સારું એવું પ્રમાણ જાળવી રાખવા માટે શ્વાસોશ્વાસની કસરત - પ્રાણાયામ કરો.
- પગ ઊંચા કરીને આરામ કરો!!!
- કસરતો અને સ્ટ્રેચિંગ્સ ફિઝિયોથેરાપિસ્ટની નિષ્ણાત સલાહ લઈને કરી શકાય છે, કેમકે તેમાં પ્રત્યેક કેસ માટે અલગ અલગ જરૂરિયાતો ઉપર ધ્યાન આપવાની જરૂર પડે છે.
તમારા પ્રશ્નો માટે ડૉ. જાહ્નવી કથરાનીનો સંપર્ક કરો : jk.swasthya108@gmail.com