- મુંબઈ મોડેલની સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ બન્ને દ્વારા પ્રશંસા કરવામાં આવી
- ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
- અમે ત્રીજી લહેરના સામના માટે તૈયાર છીએઃ MCGMના કમિશનર
મુંબઇ : કોરોના સંક્રમણની બીજી લહેરનો સામનો ક્યા બાદ મુંબઇમાં હવે ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 1.25 કરોડની વસ્તીવાળા શહેરના મુંબઈ મોડેલની સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ બન્ને દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. સોમવારના રોજ મુંબઇમાં 1,794 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલમાં દૈનિક 11,000થી વધુ કેસની સરખામણીએ, માર્ચના મધ્યભાગ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.
આ પણ વાંચો - કોરોના સામેની લડતમાં 'સર્વોચ્ચ' પહેલ
સવાલઃ કોરોના રોગચાળો ફેલાયો ત્યારે પ્રથમ તબક્કે મુંબઈ હોટ-સ્પોટ બની ગયું હતું. તે વખતે શહેર માટે પૂરતા સંસાધનો નહોતા, કર્મચારીઓ નહોતા. તે વખતે મહામારીનો સામનો કેવી રીતે કરવામાં આવેલો?
જવાબઃ પ્રથમ વેવ વખતે સમગ્ર દુનિયા કોવીડ 19નો સામનો કેવી રીતે કરવો તે વિશે અજાણ હતી. અમને મુંબઈમાં પ્રથમ વેવ વખતે ઘણું શીખવા મળ્યું. અમને સમજાયું કે ટ્રેકિંગ, ટ્રીટિંગ અને ટેસ્ટિંગ ઉપરાંત રોગચાળાનો સામનો કરવા માટે બીજું શું શું કરવું પડે. ઊંડા અભ્યાસથી અમે ચાર પરિબળોનેઅલગ તારવ્યા હતા. એક તો પથારીઓ જોઈએ, બીજું ઑક્સિજન સપ્લાય સાથેના બેડ જોઈએ, ત્રીજું આઈસીયુ બેડ જોઈએ અને ચોથું દવાઓ જોઈએ. પ્રથમ વેવ દરમિયાન અમે ચારેય બાબતો પર કામ કર્યું. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના મહિનાઓમાં મુંબઈમાં રોજના 300થી 400 કેસ આવતા હતા. તે વખતે જ અમને ખ્યાલ આવી ગયો હતો કે સેકન્ડ વેવ આવશે. સમગ્ર દુનિયાનો અનુભવ આપણે જાણતા હતા અને દેશના બીજા ભાગોમાં પણ આપણે જોયું હતું. કોવીડ કેર માટે અમે સાત જગ્યાએ વિશાળ સુવિધાઓ ઊભી કરી હતી. તે વખતે કેટલાકે ટીકા પણ કરેલી કે આટલી મોટી સુવિધાઓ કેમ ઊભી કરો છો? તેની પાછળ મોટો ખર્ચ થયો હતો. પણ અમે કામ કરતા રહ્યા અને 31 માર્ચ સુધી કામ કરતા રહ્યા. તે વખતે અમે જોયું કે કેસોની સંખ્યા ફરી વધવા લાગી છે. પરંતુ તે વખતે આ જમ્બો કોવીડ કેર સેન્ટર ઉપયોગી નીવડ્યા. અમે યોગ્ય નિર્ણય કર્યો હતો. પ્રથમ વેવ વખતે જ ખ્યાલ આવી ગયો હતો કે ઑક્સિજનની બાબત પડકારરૂપ થશે. તે વખતે અમારી મોટા ભાગની હોસ્પિટલોમાં સિલિન્ડર આધારિત ઑક્સિજન સપ્લાય સિસ્ટમ હતી. સિલિન્ડરને રિફિલ કરવા મુશ્કેલ હતા. તેમાં મોટું જોખમ રહેતું હતું. બહારના લોકો આઇસોલેશનમાં જઈને સિલિન્ડર રિફિલ કરે તે જોખમ અને ઑક્સિજનનો વેડફાટ પણ થતો હતો. તેથી અમે સેન્ટ્રલ ઑક્સિજન સપ્લાય સિસ્ટમ માટે વિચાર્યું. અમે 6થી 13 હજાર લીટર ઑક્સિજનની ટેન્ક મોટા કોવીડ સેન્ટરોમાં લગાવી. ટેન્કમાંથી પાઇપલાઇનથી બેડ સુધી ઑક્સિજન પહોંચતો હતો. તેના કારણે ઑક્સિજનની સપ્લાય સ્ટેબલ થઈ. ઑક્સિજન નકામો જતો હતો તેમાં 20 ટકા ઘટાડો થયો. આ રીતે પૂરતા ઑક્સિજનની ખાતરી કરી લીધા પછી અમે તેના ઉત્પાદકો સાથે કરાર કરી લીધા હતા. તેમાં બે લેયર હતા. મોટું એકમ હોય તો તે પૂરતો ઑક્સિજન પહોંચાડવાની જવાબદારી લે. નાના એકમો પાસેથી તે મેળવીને સપ્લાયર તે પહોંચાડે. આ રીતે સમગ્ર પ્રોસેસને પાર પાડવામાં આવી.
આ પણ વાંચો - રેમડીસીવરના સપ્લાઇમાં પોતાની ‘દખલ’ અંગે ભાજપ રાજકીય ચર્ચાના ઘેરામાં
સવાલઃ પ્રથમ વેવ વખતે ધારાવીનું ઉદાહરણ સૌ કોઈ માટે નમૂનારૂપ બન્યું. તેના વિશે વધુ જણાવશો? પ્રથમ તબક્કે ધારાવી જેવી ઝૂંપડપટ્ટીમાં ચેપ ફેલાતો રોકી શકાયો, પણ બીજા તબક્કામાં બિલ્ડિંગોમાં કેસો વધી રહ્યા હતા ત્યારે શું પગલાં લેવાયાં?
જવાબઃ અમે એકથી વધુ વ્યૂહ અપનાવ્યા. અમે વધુ જોખમી કોન્ટેક્ટ્સને અલગ તારવ્યા. તેમને કોવીડ સેન્ટરમાં ખસેડ્યા. ધારાવી જેવી જગ્યાએ તેમના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું કામ અઘરું હતું. અમે એક એક ઘરે પહોંચ્યા, નાનામાં નાના ટેનામેન્ટમાં જઈને શંકાસ્પદ ચેપીને શોધ્યા. ડોર ટુ ડોર સર્વે કર્યા. અમે સ્થાનિક ડૉક્ટરોને પણ સાથે જોડ્યા. તેમને પીપીઈ કીટ અને માસ્ક આપ્યા, જે ત્યારે મળવા બહુ મુશ્કેલ હતા. ધારાવીને બંધ તો કરાવ્યું, પણ કરિયાણું, દૂધ વગેરે વસ્તુઓ પહોંચાડવી મુશ્કેલ હતી. તેથી કેટલાક કુટુંબોને અમે તૈયાર ભોજન પહોંચાડ્યું, કેટલાકને રાશન આપ્યું. એનજીઓને પણ કામમાં સાથે જોડી. આ રીતે સંયુક્ત પ્રયાસોથી અમે સફળ રહ્યા અને તે રીતે ધારાવી મૉડલ બહુ પ્રચલિત બન્યું.
આ પણ વાંચો - કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ કરાશે
સવાલઃ કેવી રીતે સીરો સર્વે કરાયો, અને તેની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરાયો. બીજું કે મુંબઈની હોસ્પિટલોમાં ઑક્સિજન ખૂટે નહીં તે માટે હવે શું યોજના છે?
જવાબઃ પ્રથમ વેવ વખતે અમે ત્રણ વોર્ડમાં સીરો સર્વે કર્યો હતો. એક શહેરમાં, એક પૂર્વના પરામાં અને એક પશ્ચિમના પરામાં. ઝૂંપડપટ્ટી અને એપાર્ટમેન્ટમાંથી નમૂના લેવાયા હતા. સ્લમમાં 57 ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળ્યા હતા, જ્યારે એપાર્ટમેન્ટમાં માત્ર 16 ટકામાં જ. તેથી અમને સમજાયું કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો રોગચાળામાંથી બહાર આવી જશે. બીજા સીરો સર્વેમાં પણ એવો જ રેશિયો જોવા મળ્યો. સ્લમમાં 45 ટકા, જ્યારે રહેણાંકોમાં 18 ટકા. હાલમાં જ ત્રીજો સર્વે કરાયો તેમાં સ્લમમાં 40 ટકા લોકોમાં એન્ટીબોડી મળ્યા, જ્યારે રહેઠાણોમાં 28 ટકા લોકોમાં. તેથી હવે લાગે છે કે આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છીએ. હજી વાર લાગશે, પણ તે દિશામાં આગળ વધવા લાગ્યા છીએ તે સંતોષકારક છે.
આ પણ વાંચો - દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર આ અંગે રિપોર્ટ ફાઈલ કરે: SC
સવાલઃ મહારાષ્ટ્રમાં બાળકો માટે કોવીડ સેન્ટર અને પ્રસૂતાઓ માટે સેન્ટર બની રહ્યા છે. શું ત્રીજો વેવ બાળકો માટે વધારે જોખમી હશે? શું ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં મુંબઈમાં ત્રીજી લહેર આવશે અને તમે કેવી રીતે સામનો કરશો?
જવાબઃ દુનિયામાં જોવા મળ્યું છે તે રીતે ત્રીજો વેવ બાળકોને વધારે અસર કરશે. તેથી અમે તાત્કાલિક બાળકોની સારવાર માટે ટાસ્ક ફોર્સ તૈયાર કરી દીધું. બાળકો અને તેમના વાલીઓને કઈ રીતે બેડ ફાવવવા, કેવી સુવિધાઓ જોઈએશે તે માટે તૈયારી કરી છે. અમે ચાર વિશાળ કદના વધારાના પિડિયાટ્રિક વૉર્ડ તૈયાર કરી રહ્યા છીએ. હાલના કેન્દ્રો છે તેમાં પણ આવા વોર્ડ હશે. સાયન, નાયર, કૂપર અને કેઈએમ એમ ચાર મોટી હોસ્પિટલો છે. તેમાં પિડિયાટ્રીક વોર્ડ હશે. ખાનગી હોસ્પિટલોને પણ સાથે લઈશું જેથી બેડ, ઑક્સિજન સપ્લાય, આઈસીયુ હોય. કેસો વધશે તો અમે તેને સંભાળી લઈશું. અમને લોકોના સહકાર જોઈએ બસ.
હું લોકોને અપીલ કરવા માગું છું કે રસી લઈ લીધી હોય તો પણ આપણે માસ્ક પહેરવો જોઈએ, હાથ ધોવા જોઈએ, અને એક બીજાથી દૂર રહેવું જોઈએ. આ રીતે તમે, તમારો પરિવાર સલામત રહી શકશે. આવું કરીશું તો બધા માટે સરળતા રહેશે અને માત્ર બીએમસી નહીં, પણ સૌ કોઈ સરળતાથી રોગચાળોમાંથી ઉગરી શકીશું.