નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચ ઈલેક્ટોરલ બોન્ડની કાયદેસર માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ સંયુક્ત બેન્ચમાં સીજેઆઈ ઉપરાંત ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ બી આર ગવાઈ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. આ બેન્ચ પોલિટિકલ ફંડિંગ માટે ઉપયોગમાં લેવાતા ઈલેકટોરલ બોન્ડની કાયદેસર માન્યાતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
ચૂંટણી પંચને આદેશઃ મંગળવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈલેકટોરલ બોન્ડથી થતા ફંડિંગની માહિતી ભારતીય ચૂંટણી પંચમાં રજૂ કરવી જરૂરી છે. પાંચ ન્યાયાધીશોની બનેલી બેન્ચે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટના 12 એપ્રિલ, 2019ના વચગાળાના ઓર્ડર અનુસાર રાજકીય પાર્ટીઓને ઈલેકટોરલ બોન્ડથી મળેલા ફંડિંગની માહિતી તૈયાર કરવા કહ્યું હતું.
કપિલ સિબ્બલની દલીલઃ એક અરજીકર્તા તરફથી કપિલ સિબ્બલે દલીલ કરી કે, આ ઈલેકટોરલ બોન્ડ યોજના માત્ર રાજકીય પક્ષોને ધનવાન બનાવા માટે લાવવામાં આવી છે. આ યોજનામાં રાજકીય પક્ષોને ચૂંટણી દરમિયાન મળતા ધનનો કોઈ હિસાબ આપવો પડતો નથી.
કોણ છે અરજીકર્તા?: કપિલ સિબ્બલે કોર્પોરેટ સેક્ટર તરફથી રાજકીય પક્ષોને ઈલેકટોરલ બોન્ડ દ્વારા મળતા ફંડિંગના ગેરફાયદા પાંચ ન્યાયાધીશની બેન્ચ સમક્ષ વર્ણવ્યા હતા. 16મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની કાયદેસર માન્યતાની સુનાવણી 5 ન્યાયાધીશવાળી બેન્ચ કરશે તેમ જણાવ્યું હતું. આ બોન્ડ યોજના વિરુદ્ધ કૉંગ્રેસ નેતા જયા ઠાકુર અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી), સ્પંદન બિસ્વાલ વગેરે તરફથી અરજી કરવામાં આવી છે.