નવી દિલ્હી : ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ છેલ્લા કેટલાક સમયથી થોડું શાંત હતું. પરંતુ રેકોર્ડ બનાવવાના મામલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બાદશાહ છે. વિરાટ કોહલી દરેક મેચમાં કોઈને કોઈ રેકોર્ડ બનાવતા રહે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં કોહલી 36 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન કોહલીએ ટેસ્ટમાં ભારત માટે બે ત્રેવડી સદી ફટકારનાર વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગનો ટેસ્ટ રનનો રેકોર્ડ તોડ્યો છે.
નવો રેકાર્ડ : વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં કોહલીએ પોતાની કારકિર્દીમાં એક નવો રેકોર્ડ ઉમેર્યો છે. કોહલીએ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો શાનદાર ટેસ્ટ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 5 મો ખેલાડી બની ગયો છે. કોહલીના હવે ટેસ્ટમાં 110 મેચમાં 8515 રન છે. અગાઉ સેહવાગનો 8503 ટેસ્ટ રનનો રેકોર્ડ હતો જે કોહલીએ તોડી નાખ્યો છે.
ટોપ 5 ભારતીય ક્રિકેટર : ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનોની યાદીમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 15416 ટેસ્ટ રન છે. આ યાદીમાં બીજા નંબર પર રાહુલ દ્રવિડ છે. રાહુલ દ્રવિડના નામે 13265 ટેસ્ટ રન છે. 125 ટેસ્ટ મેચમાં 10122 રન બનાવનાર પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કર આ યાદીમાં ત્રીજા અને વીવીએસ લક્ષ્મણ 134 મેચમાં 8781 રન સાથે ચોથા સ્થાને છે.
કોહલીની ટેસ્ટ કારકિર્દી : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. કોહલીએ 110 ટેસ્ટ મેચમાં 186 ઇનિંગ્સ રમીને કુલ 8515 રન બનાવ્યા છે. તેની રનની એવરેજ 48.94 છે અને સર્વોચ્ચ સ્કોર 254 રન છે. કોહલીએ અત્યાર સુધી ટેસ્ટમાં 7 બેવડી સદી, 28 સદી અને 28 અડધી સદી ફટકારી છે.