કાલિયાગંજઃ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલિયાગંજમાં 17 વર્ષની કિશોરી સાથે કથિત ગેંગરેપ બાદ હત્યાના મામલાએ જોર પકડ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી છે. કિશોરીની મૃતદેહને લેવા પહોંચેલી પોલીસ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલી ભીડને કાબૂમાં લેવા માટે RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સના જવાનોને બોલાવવા પડ્યા. સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો. આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે.
પોલીસની ભૂમિકાની આકરી નિંદા: ધોરણ 12ની વિદ્યાર્થીનીની હત્યા, તેના પર દુષ્કર્મ અને મૃતદેહને અપમાનિત કરી ઘસેડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્યની વિપક્ષી પાર્ટી ભાજપે સામાન્ય લોકો સાથે પોલીસની ભૂમિકાની આકરી નિંદા કરી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલાની નોંધ લીધી છે. આ સંદર્ભે પંચે રાજ્ય પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.
ઝેરી પદાર્થ ખાવાથી મોત: નેશનલ ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ એક ટ્વિટમાં કહ્યું છે કે કિશોરી પર સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી છે. પોલીસ પર લાશને અપમાનિત કરીને ખેંચી જવાનો આરોપ છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે કિશોરી ગુમ થઈ ગઈ હતી, પરંતુ પરિવારે આ અંગે પોલીસને જાણ કરી ન હતી. બાદમાં કિશોરીનો મૃતદેહ કાલિયાગંજ વિસ્તારમાં એક કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસ મૃતદેહ લેવા પહોંચી તો લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને પથ્થરમારો શરૂ કર્યો. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઝેરી પદાર્થ ખાવાથી મોત થયાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: MP Communal Clash: પરશુરામ જયંતિ અને ઈદ પર બે સમુદાયમાં વિવાદ, રોકવા ગયેલા કોન્સ્ટેબલ પર પથ્થરમારો
પોલીસ પર પથ્થરમારો: ઉત્તર દિનાજપુરના એસપી સના અખ્તરે પણ કહ્યું છે કે જ્યારે પોલીસ મૃતદેહ લેવા ગઈ ત્યારે લોકોએ પથ્થરમારો કર્યો. પોલીસે બચાવમાં લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ સંદર્ભે પોલીસે કેટલાક દેખાવકારોની અટકાયત કરી છે. પોલીસ કાર્યવાહીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. રાયગંજના એસપી સના અખ્તરે વાયરલ વીડિયોના સંબંધમાં કહ્યું છે કે કિશોરીના મૃતદેહને પોલીસ એમ્બ્યુલન્સમાં લઈ ગઈ હતી, મૃતદેહને ઘસેડવાનો આવ્યો ન હતો. તેમણે કહ્યું કે પોલીસ સગીરના મૃતદેહને કાલિયાગંજ લઈ જતી જોવા મળી હતી.
આ પણ વાંચો: Delhi Crime: ઇન્સ્ટાગ્રામ પર બનેલા મિત્રએ કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ, મિત્રો સાથે સંબંધ રાખવા કર્યું દબાણ
સીબીઆઈ તપાસની માંગ: આ મામલામાં બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે તેમને પીડિત પરિવારને મળવા દેવાયા નથી. પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો છે. તો બીજી તરફ ભાજપના સાંસદ દેબશ્રી ચૌધરીએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.