- આરજેડીના દિગ્ગજ નેતા હતા ડૉ. મોહમ્મહ શાહબુદ્દીન
- શનિવારે કોરોનાથી થયું હતું નિધન
- પ્લૂરલ્સ પાર્ટીના અધ્યક્ષના ટ્વીટથી રાજકીય માહોલ ગરમાયો
પટના: "આપણી સંપૂર્ણ પેઢી બિહારીઓ ગુંડા અને ક્રિમિનલ હોવાનો આક્ષેપ સહન કરતી આવી છે. જો આજે હું તેના પ્રતીક સમા વ્યક્તિના મોત પર અફસોસ જાહેર કરીશ, તો એ કરોડો બિહારીઓનું અપમાન કહેવાશે. મને કોઈ જ અફસોસ નથી. ફૂલ સ્ટોપ." આ ટ્વીટ પ્લૂરલ્સ પાર્ટીના અધ્યક્ષ પુષ્પમ પ્રિયા ચૌધરીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરી હતી. તેમના આ ટ્વીટ બાદ રાજકીય ક્ષેત્રમાં હોબાળો મચી ગયો છે.
લાલૂ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ લીધો ઉધડો
બિહારના સીવાન મતક્ષેત્રના પૂર્વ સાંસદ અને આરજેડીના બાહુબલી નેતા શાહબુદ્દીનનું શનિવારે કોરોનાથી નિધન થયું હતું. જેને લઈને પુષ્પમ પ્રિયા ચૌધરીએ કરેલા ટ્વીટને લઈને લાલૂ યાદવના પુત્રી રોહિણી આચાર્ય ભડકી ઉઠ્યા હતા. તેમણે લખ્યું હતું કે, "તારી માનસિકતા કેવી કહેવાય? તુ માનવતાના નામ પર કલંક છે." જોકે, બાદમાં રોહિણીએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું હતું.
2017થી સતત જેલવાસ ભોગવી રહ્યા હતા શાહબુદ્દીન
10 મે 1967ના રોજ બિહારમાં જન્મેલા મોહમ્મદ શાહબુદ્દીન બાહુબલી નેતા તરીકે જાણીતા હતા. તેમના પર સમયાંતરે પોલીસ કેસ નોંધાતા રહેતા હતા. તેમ છતા તેઓ આરજેડીના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેઓ આરજેડીના સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવના નજીકના સાથી માનવામાં આવતા હતા. 30 ઓગસ્ટ 2017ના રોજ પટના હાઈકોર્ટે સીવાનમાં થયેલી એક હત્યાના બનાવમાં શાહબુદ્દીનને મોતની સજા ફટકારી હતી. જ્યારબાદથી તેઓ સતત જેલવાસ ભોગવી રહ્યા હતા.