જૂનાગઢ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ (Union Budget 2022) લોકસભામાં રજૂ કર્યું હતું. બજેટમાં સહકારી ક્ષેત્રને વિશેષ ધ્યાન અને મહત્વ આપવામાં આવ્યું હોય તે પ્રકારે સહકારી ક્ષેત્રમાં ટેક્સ અને સરચાર્જમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય બજેટમાં સહકારી ક્ષેત્રને ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman presents Budget 2022) સહકારી ક્ષેત્ર પર જે પ્રકારે રાહતો આપી છે તેને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ આવકારી રહ્યા છે. ગુજરાતને સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રનું હબ માનવામાં આવે છે. મોટા ભાગની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશ અને દુનિયામાં આર્થિક વ્યવહારો અને તેની ઉન્નતિને લઈને નામના મેળવી ચૂકી છે, ત્યારે કેન્દ્રીય અંદાજપત્રમાં સહકારી ક્ષેત્રને ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં સહકારી ક્ષેત્રમાં 15 ટકા ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી
સહકારી ક્ષેત્રમાં પહેલા 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ઘટાડો કરીને આ વર્ષે 15 ટકા ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત બજેટમાં કરવામાં આવી છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં 12 ટકા સરચાર્જની જગ્યા પર 05 ટકાનો ઘટાડો કરીને 07 ટકા સરચાર્જ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યો છે. જેને લઇને સહકારી ક્ષેત્ર બજેટ બાદ ગેલમાં આવતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગમાં કસ્ટમ ડ્યુટીનો ઘટાડો, જાણો ફાયદો કે નુકસાન?
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ETV ભારત સાથે કરી એક્સક્લુઝિવ વાતચીત
વર્ષ 2022-23 કેન્દ્રીય બજેટની દરખાસ્ત પૂર્ણ થયા બાદ ETV ભારતે ઇફકોના ચેરમેન અને ગુજરાતના કદાવર સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતમાં દિલીપ સંઘાણીએ વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટને હોંશભેર આવકાર્યું હતું અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ટેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો કર્યો છે તેને આવકારીને આ ઘટાડો આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓથી લઈને સહકારી બેંક અને નાની સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક સંઘને ખૂબ મોટો ફાયદો કરાવશે.
સહકારી સંસ્થાઓ ટેક્સ ઘટાડાને કારણે ખૂબ સારું આર્થિક વળતર મેળવી શકશે
ટેક્સ ઘટાડાને કારણે હવે અનેક કંપનીઓ સીધી રીતે સહકારી સંસ્થાઓ સાથે આર્થિક વ્યવહાર કરવા માટે વધુ તત્પરતા દર્શાવશે. સરચાર્જમાં પણ પાંચ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે તેને પણ દિલીપ સંઘાણીએ આવકારીને આ ઘટાડો આગામી દિવસોમાં સહકારી સંસ્થા અને ખાસ કરીને સમૃદ્ધ ગુજરાતની ઉન્નત સહકારી સંસ્થાઓ ટેક્સ ઘટાડાને કારણે ખૂબ સારું આર્થિક વળતર મેળવી શકશે. સાથે સાથે સહકારી સંસ્થા સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ નાની નાની સહકારી મંડળી અને અન્ય દેશોની કંપનીઓને પણ ફાયદો થશે. અન્ય કંપનીઓ દ્વારા પણ સહકારી સંસ્થાઓમાં રોકાણની શક્યતાઓ વધુ પ્રબળ બની શકે છે જેનો સીધો ફાયદો સહકારી સંસ્થાઓને થશે. જે દેશની અર્થ વ્યવસ્થાને પણ વધુ વેગવંતી બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે.
આ પણ વાંચો: બજેટમાં લઘુ ઉદ્યોગ જગતને શું મળ્યું, જુઓ
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનને અજય પટેલે કરી ETV ભારત સાથે વાતચીત
કેન્દ્રીય બજેટમાં સહકારી ક્ષેત્ર પર જે પ્રકારે ટેક્સની રાહતો આપવામાં આવી છે તેને લઈને ETV ભારતે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં સહકારી સંસ્થા પરના ટેક્સ ઘટાડાની જે દરખાસ્ત કરી છે તેને તેવો આવકારી રહ્યા છે અને આવાજ પ્રકારની દરખાસ્ત બજેટમાં થશે તેવો તેમને વિશ્વાસ પણ હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહકારી મંડળીની આવક મર્યાદા 01 કરોડથી લઈને 10 કરોડ સુધીની આવક પર અત્યાર સુધી 12 ટકા જેટલો સરચાર્જ વસુલવામાં આવતો હતો. જેમાં 05 ટકાનો ઘટાડો કરીને હવે 07 ટકા કરવામાં આવ્યો છે તેને લઈને સહકારી મંડળીઓ પણ વધુ આર્થિક રીતે સક્ષમ બનશે અને ગામડાની અર્થવ્યવસ્થા વધુ મજબૂતી તરફ આગળ વધશે. રોકાણકારો સહકારી મંડળીઓમાં રોકાણ કરીને આર્થિક લાભ પણ મેળવી શકશે જેનો સીધો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને થશે.