- આવતી કાલે ભારત બંધ
- સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન
- યુનિયન બેન્ક આપશે સમર્થન
દિલ્હી : ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા સામે ખેડૂતો 10 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમના આંદોલનને વધુ મજબૂત કરવા માટે ખેડૂતોએ આવતીકાલે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. આ બંધનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચા કરશે. આવતીકાલે ખેડૂત દ્વારા ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
વિપક્ષનું સમર્થન
વિપક્ષી પાર્ટીઓ પણ સંયુક્ત કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા આ ભારત બંધને ટેકો આપી રહી છે. આ બંધને કોંગ્રેસ, સીપીઆઈ (એમ), એનસીપી, તૃણમૂલ, આરજેડી જેવા વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
AIBOCએ પણ આપ્યું સમર્થન
ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AlBOC) એ સોમવારે બંધને પોતાનો ટેકો આપ્યો છે. તેણે સરકારને ખેડૂતો સાથે તેમની માંગણીઓ પર વાટાઘાટો કરવા અને મડાગાંઠના કેન્દ્રમાં ત્રણ કાયદા રદ કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું 27 સપ્ટેમ્બરથી બે દિવસીય સત્ર મળશે, નવા પ્રધાનમંડળની થશે કસોટી
સરકારની યોજના પર સવાલ
પરિષદે કહ્યું કે," તેના સહયોગીઓ અને રાજ્ય એકમો સોમવારે દેશભરના ખેડૂતો સાથે એકતામાં જોડાશે. આ મહિનાની શરૂઆતમાં જાહેર થયેલા એનએસએસ જમીન અને પશુધન અને કૃષિ ઘરોની સ્થિતિ આકારણી, 2018-19ના અહેવાલને ટાંકીને યુનિયને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની કેન્દ્રની યોજના પર સવાલ ઉઠાવ્યા હતા.યુનિયને જણાવ્યું હતું કે કૃષિ પરિવાર દીઠ સરેરાશ બાકી લોન 2013 માં 47,000 રૂપિયાથી વધીને 2018 માં 74,121 રૂપિયા થઈ ગઈ છે. કૃષિ પરિવારોનું વધતું દેવું ઉંડા કૃષિ સંકટને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો : દિલ્હીનાં એરપોર્ટ પર PM મોદીનું જોરદાર અભિવાદન, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કાર્યકર્તા
જરૂરી સેવા ચાલું
યુનાઈટેડ કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા આ ભારત બંધ દરમિયાન હોસ્પિટલો, દવાઓની દુકાનો, એમ્બ્યુલન્સ સહિતની અન્ય તમામ તબીબી સંબંધિત સેવાઓ ખુલ્લી રહેશે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે જવું હોય તો તેને રોકવામાં નહીં આવે.