કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, તેમના દેશ પર હુમલો કરવા બદલ રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર ફેંકી દેવું જોઈએ. ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, યુક્રેન પર રશિયાનું આક્રમણ નરસંહારની દિશામાં એક પગલું છે. રશિયાએ દુષ્ટતાનો માર્ગ પસંદ કર્યો છે.
રશિયન આક્રમણને "રાજ્ય પ્રાયોજિત આતંકવાદ" ગણાવ્યું
રશિયા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે, જેના કારણે તેની પાસે ઠરાવોને વીટો કરવાની સત્તા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલે યુક્રેનિયન શહેરો પર રશિયાના હુમલાની તપાસ કરવી જોઈએ. તેમણે રશિયન આક્રમણને "રાજ્ય પ્રાયોજિત આતંકવાદ" ગણાવ્યું. તેણે રશિયાના દાવાને નકારી કાઢ્યો કે તે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું નથી.