વોશિંગ્ટનઃ અમેરિકામાં બે ભારતીય નાગરિકો પર ફેંટેનાઈલ ડ્ર્ગ્સના વિતરણ અને નશીલી દવાઓની આવકની લૂંટના ષડયંત્રનો આરોપ લાગ્યો છે. સમગ્ર મામલે ન્યૂજર્સીના મોઈસેસ એ સનાબ્રિયાને દક્ષિણી ઈલિનોઈસના અમેરિકા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સનાબ્રિયાએ પોતાનો ગુનો કબુલી લીધો છે. જેમાં બે ભારતીયો આશીષ કે જૈન અને એમ ઈશ્વર રાવના નામ પણ સામે આવ્યા છે. ભારત સ્થિત દવાનું વિતરણ કરતી કંપની અને અમેરિકાના ગ્રાહકો વચ્ચે સનાબ્રિયા વચેટિયા તરીકે કામ કર્યાનો ગુનો કબુલી લીધો છે.
2018થી 2021માં થયા સોદાઃ કોર્ટના દસ્તાવેજો અનુસાર, સનાબ્રિયાએ ભારતમાં ફાર્માસ્યુટિકલ દવા વિતરણ કેન્દ્રથી ન્યૂજર્સીમાં ફુરાનિલ ફેંટેનલ અને ટેપેંટાડોલ યુક્ત ગોળીઓ મેળવી હતી. આ ગોળીઓ વર્ષ 2018થી 2021 દરમિયાન અમેરિકન ગ્રાહકોમાં વેચી હતી. પ્રોસિક્યુટર જણાવે છે કે અનેક ઘટનામાં સનાબ્રિયાએ દવાના ઓર્ડર દક્ષિણી ઈલિનોઈસમાં કામ કરતા અન્ડર કવર એજન્ટ્સને મોકલ્યા હતા.
કન્ટ્રોલ સબસ્ટન્સ એક્ટઃ કન્ટ્રોલ સબસ્ટન્સ એક્ટ અનુસાર ફુરાનિલ ફેંટેનલ શિડ્યુલ 1 અને ટેપેંચાડોલ શિડ્યુલ 2 પર છે. દક્ષિણ ઈલિનોઈસમાં ડ્રગ એનફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર માઈકલ ઈ. રેહગે કહ્યું કે, સનાબ્રિયા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ભારતથી દવાઓ ખરીદીને પોસ્ટમાં મંગાવી શકાય છે તેવું સમજીને લોકોને મુર્ખ બનાવતો હતો.
લિમિટેડ લાયાબિલિટી કંપની શરુ કરીઃ રેહગ વધુમાં જણાવે છે કે તેની ગેરકાયદેસર સંપત્તિ પરથી ખ્યાલ આવે છે કે અમેરિકન્સ પાસેથી આંતરરાષ્ટ્રીય અપરાધિક સંગઠનો કેવી રીતે ગેરલાભ ઉઠાવી રહ્યા છે. નશીલી દવાઓથી પ્રાપ્ત થયેલા ધનને સગેવગે કરવા અને ભારતમાં નાણાંના હેરફેર માટે સનાબ્રિયાએ ન્યૂયોર્કમાં એક લિમિટેડ લાયાબિલિટી કંપની શરુ કરી હતી.
20 વર્ષની કેદઃ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કહે છે કે એલએલસીએ 2021ના જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન નશીલી દવાઓના વિતરણથી કમાયેલા 1,14,334 અમેરિકન ડોલર્સ છુપાવ્યા. મની લોન્ડ્રિંગ, ફેંટેનાઈલ વિતરણ અને માદક દ્રવ્યોના હેરફેરમાં 20 વર્ષની કેદની સજા થઈ શકે છે. (PTI)