નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ)એ જણાવ્યું હતું કે મોબાઈલ નંબરનો ઉપયોગ ન થવાના કારણે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આ નિષ્ક્રિય નંબરને 90 દિવસ સુધી અન્ય ગ્રાહકોને ફાળવવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટમાં મોબાઈલ નંબરના નિષ્ક્રિય થયા બાદ તેના ડેટાનો દુરઉપયોગ થવા મુદ્દે અરજી પર સુનાવણી થઈ હતી.
વ્હોટ્સ એપ એકાઉન્ટ ડીલીટઃ ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ એસવીએન ભટ્ટીની સંયુક્ત બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. જેમાં ટ્રાઈએ સોગંદનામુ રજૂ કર્યુ હતું. જે અનુસાર નિષ્ક્રિય થઈ ગયેલ મોબાઈલ નંબરના ડેટાના દુરપયોગના થાય તે માટે આ નંબર સાથે સંકળાયેલ વ્હોટ્સએપ એકાઉન્ટ ડીલીટ કરીને તેમજ લોકલ ડિવાઈસ મેમરી, ક્લાઉડ અથવા ડ્રાઈવમાં રાખેલા ડેટાને દૂર કરી વ્હોટ્સએપ ડેટાનો દુરઉપયોગ અટકાવી શકાય છે.
આગામી સુનાવણી નહીં થાયઃ સંયુક્ત બેન્ચે જણાવ્યું કે આ અરજી પર વધુ સુનાવણી કરાશે નહીં કારણ કે, ટ્રાઈના જવાબી સોગંદનામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મોબાઈલ નંબરના ઉપયોગ ન કરવા પર અથવા ગ્રાહક નંબર બંધ કરાવવા માંગે તો આ નંબરને નિષ્ક્રિય કરી દેવાય છે. તેમજ આગામી 90 દિવસ સુધી આ નંબર નવા ગ્રાહકને ફાળવવામાં આવતો નથી.
ટ્રાઈની એફિડેવિટ પર વિચાર વિમર્શઃ સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરે કરેલા આદેશમાં જણાવ્યું કે, આ અગાઉના ગ્રાહક પર નિર્ભર કરે છે કે તે પ્રાઈવસી જાળવી રાખે. ટ્રાઈના સોગંદનામા પર સંયુક્ત બેન્ચે વિચાર વિમર્શ કર્યો અને આગામી સુનાવણી માટે ઈન્કાર કરી દીધો. સુપ્રીમે આ અરજી ફગાવી દીધી છે.