કર્નૂલઃ આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં દેવરગટ્ટુમાં પરંપરાગત લાકડીઓની લડાઈનો ઉત્સવ 'બન્ની ઉત્સવ' ઉજવાય છે. જેમાં લાકડીઓથી એક બીજા પર હુમલો કરવાની પરંપરા છે. આ વર્ષે બન્ની ઉત્સવમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આ પહેલા આ ઉત્સવમાં આટલી મોટી સંખ્યામાં લોકો ક્યારેય જોડાયા નહતા. પોલીસે લાકડીઓ દ્વારા કરવામાં આવતી હિંસા રોકવા જે પ્રયત્નો કર્યા તે નિષ્ફળ ગયા હતા. દેવરગટ્ટુમાં ફરીથી એકવાર પરંપરા જીતી છે. મુર્તિઓની રક્ષા કરવામાં લાકડીઓ દ્વારા જે લડાઈ કરવામાં આવી તેમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
લાકડીઓની લડાઈઃ કર્નૂલ જિલ્લાના દેવરગટ્ટુમાં દર વર્ષે વિજ્યાદશમીના દિવસે લાકડીઓથી લડવાની પરંપરા છે. મંગળવાર રાત્રે 12 કલાકે હોલાગુંડા મંડલના દેવરગટ્ટુ ખાતે મલ્લમ્મા અને મલ્લેશ્વરસ્વામી નામક રાક્ષસના પ્રતિકાત્મક લગ્ન થયા. ત્યારબાદ પદિયાગટ્ટુ, રક્ષાપાડા, સમિવૃક્ષમ અને નખિબાસવન્નગુડી જેવા પર્વતીય વિસ્તારોમાં સરઘસ નીકળ્યા હતા. આ પરંપરાગત મૂર્તિઓને મેળવવા માટે બે સમૂહો બનાવવામાં આવ્યા. જેમાં એક સમૂહમાં 3 ગામના લોકો અને બીજા ગામના સમૂહમાં 6 ગામના લોકોનો સમાવેશ થતો હતો. આ બંને સમૂહોએ મૂર્તિઓની સામે લાકડીઓની લડાઈનું હિંસક પ્રદર્શન શરુ કરી દીધું. આ પ્રદર્શનને 'બન્ની ઉત્સવ'ના નામે પણ ઓળખવામાં આવે છે.
લાખો શ્રદ્ધાળુઓઃ મલ્લમ્મા અને મલ્લેશ્વરસ્વામી રાક્ષસને માર્યા બાદ 'બન્ની ઉત્સવ'ની શરુઆત થાય છે. નેરાની, નેરાની ટાંડા અને કોથાપેટા ગામના લોકોનો એક સમૂહ અલુરુ, સુલુવઈ, એલાર્થી, અરિકેરા, નિદ્રાવતી અને બિલેહલ ગામના લોકોના બીજા સમૂહ પર લાકડીઓ લઈને તૂટી પડ્યો હતો. બંને સમૂહના લોકો ઘાયલ થયા છે. આ ઉત્સવ જોવા માટે તેલુગુ રાજ્યો ઉપરાંત કર્ણાટકથી પણ લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
ત્રણના મૃત્યુઃ 'બન્ની ઉત્સવ' દરમિયાન પોલીસે હિંસા રોકવા માટે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઉત્સવ દરમિયાન સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા અને બોડી ઓન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. 1000થી વધુ લોકો પોલીસ સાથે સુરક્ષામાં જોડાયા હતા. એક મહિના અગાઉથી 'બન્ની ઉત્સવ' અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતું હતું. જો કે અનેક ઉપાયો કરવા છતાં શ્રદ્ધાળુઓએ પોતાની પરંપરા જાળવી રાખી હતી.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયાઃ દેવરગટ્ટુના 'બન્ની ઉત્સવ' દરમિયાન ત્રણના મૃત્યુ થયા છે. સ્થાનિકો લાકડીઓની લડાઈ જોવા માટે ઝાડ પર ચડ્યા હતા. ઝાડની ડાળી તૂટવાથી 19 વર્ષીય ગણેશ, 54 વર્ષીય રામંજનેયુલુ અને 35 વર્ષીય પ્રકાશનું મૃત્યુ થયું છે. લાકડીઓની લડાઈમાં અંદાજિત 100 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અલુરુ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.