- ટેક જોબ અથવા ડેસ્ક જોબ સાથે જોડાયેલા લોકોમાં ગરદનનો દુખાવો સામાન્ય
- ઘરમાં યોગ્ય સ્થિતિમાં બેસવું એ ગરદનના દુખાવાને ઘટાડવા ચાવીરૂપ સાબિત થશે
- સ્નાયુમાં ખેંચાણ અને કોઈ ચેતામાં આવતું દબાણ એ ગરદનના દુખાવાનું મુખ્ય કારણ
ન્યૂઝ રૂમઃ રોજીંદા જીવનમાં અવારનવાર ગરદનના દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ગરદનમાં દુખાવાનું જોખમ અને તેને દૂર કરવાના ઉપાયો અહીં જાણી લો.
ગરદનના દુખાવાને ઓછો કરવાનો વિકલ્પ નેચરોપથી આપે છે
જિંદાલ નેચરક્યુર સંસ્થા સાથે જોડાયેલા સિનિયર નેચરોપેથ શ્રીકાંથ એચ. એસ. જણાવે છે કે, તણાવ, બેસવાની અવ્યવસ્થિત રીત, મેદસ્વિતા, સ્નાયૂમાં બળતરા, આર્થરાઈટિસ અને ઈજા જેવા અનેક કારણો ગરદનના દુખાવા માટે કારણભૂત છે. તેઓ જણાવે છે કે, “આ રોગ સાથે કામ લેવાની સૌથી પહેલી રીત એ છે કે તેને ઓછો કરવો. ફાર્માસ્યુટિકલ ડ્રગ્સની આડ અસરોમાં પડ્યા સિવાય જ ગરદનના દુખાવાને ઓછો કરવાનો વિકલ્પ નેચરોપથી આપે છે. જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની સાથે યોગ, મસાજ, ઓષધીઓનો ઉપયોગ અને એક્યુપંક્ચરનો ઉપયોગ કરીને નેચરોપથી ગરદનના દુખવામાં મોટી રાહત આપી શકે છે.”
ગરદનના દુખાવાનું જોખમ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સ્નાયુમાં ખેંચાણ અને કોઈ ચેતામાં આવતું દબાણ એ ગરદનના દુખાવાનું મુખ્ય કારણ છે. જોકે, માત્ર લક્ષણો પરથી જાણી શકાય નહી કે આ બંન્નેમાંથી કયું કારણ જવાબદાર છે. સામાન્ય રીતે બેસવાની રીત, વારંવાર એક જ જગ્યા પરનું દબાણ, ઊંઘ, તણાવ અને ચિંતા એ સ્નાયુના ખેંચાવાના કારણો હોઈ શકે છે. સ્પાઈનમાં આવેલી ડિસ્ક તેની જગ્યાએથી ખસી જવાથી તે કોઈ ચેતા પર દબાણ લાવી શકે છે અથવા ગરદનમાં રહેલા સ્નાયુમાં બળતરા અથવા સોજો થવાને લીધે પણ ત્યાનાં સ્નુાયુ સંકોચાઈ શકે છે. કારણ ગમે તે હોય, હાલમાં થતા ગરદનના તીવ્ર દુખાવાને અવગણી શકાય તેમ નથી કારણ કે તેનાથી જીવનભરની અપંગતા અથવા કાયમી નુકસાન થઈ શકે છે.
ગરદનના દુખાવાને ઓછો કરવા નેચરોપથીના ઉપચાર
યોગ
ગરદનના દુખાવા સહિતના અનેક તીવ્ર દુખાવામાં આપણી પૌરાણિક યોગની પદ્ધતિ મદદરૂપ સાબિત થઈ શકે છે. કેટલાક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, યોગથી પીડાને ઘટાડવામાં, બળતરા ઓછી કરવામાં અને ગતિશીલતામાં વધારો કરવામાં મદદ મળે છે. દિવસમાં માત્ર 15થી 20 મિનિટ સુધી યોગ કરવાથી પણ શરીરમાં સ્ફૂર્તિ આવી શકે છે. સ્નાયુનો તનાવ ઓછો થાય છે, લોહીનું પરીભ્રમણ વધે છે અને ગરદનના દુખાવાની શક્યતામાં ઘટાડો થાય છે. ગરદનના દુખાવા માટે આ પ્રકારના આસન જણાવવામાં આવ્યા છે. જેમાં માર્જરીયાસન, બીતીલાસન, બાલાસન, નટરાજાસન, વીપરીત કરાની અને સવાસનનો સમાવેશ થાય છે.
મસાજ
કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, મસાજ થેરાપી ગરદનના દુખાવામાં રાહત આપી શકે છે અને જો આ મસાજ નિષ્ણાત પાસે કરાવવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મસાજ થેરાપીમાં સામાન્ય રીતે કરોડરજ્જૂ અને સ્નાયુઓની જેમ રક્ત પરિભ્રમણ વધારવા અને સ્નાયુઓના તનાવને ઘટાડવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવે છે. તે ગળાના ભાગમાં આવેલી સુન્ન સ્નાયુઓને ફરી સ્થીતિસ્થાપક કરવામાં મદદરૂપ સાબીત થાય છે.
ઔષધીઓ
વિવિધ પ્રકારના દર્દની સારવાર કરવા માટે યુગોથી ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીઓને ચાની જેમ ચાસવામાં આવે છે, તેને ન્હાવાના પાણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તેમ જ એરોમા થેરાપી તરીકે શ્વાસમાં લેવામાં આવે છે. ડેવીલ્સ ક્લો એ એક લોકપ્રીય ઔષધી છે જે ગરદનના દુખાવામાં ઘટાડો કરી શકે છે અને ઓસ્ટિઆર્થરાઇટિસના દર્દીઓને ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત લવન્ડર, કુડ્ઝુ અને સેન્ટ જોન્સવર્ટ એ એવા ઓષધી છે જે ગરદન અને તેની નીચેના ભાગમાં દુખાવાને ઓછો કરી શકે છે. વધુ સારી અસર મેળવવા માટે આ ઔષધીઓને નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ઉપયોગમાં લેવા જોઈએ.
જીવનશૈલીમાં ફેરફાર
જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ગરદનના દુખાવામાં સારી રાહત મળી શકે છે. જે લોકો ગરદનના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેમના માટે કામના સમયે અથવા ઘરમાં યોગ્ય સ્થિતિમાં બેસવું એ ચાવીરૂપ સાબિત થઈ શકે છે. સારી ઊંઘ લેવી, રાત્રે સૂવા સમયે કરોડરજ્જૂને સારી સ્થિતિમાં રાખવી, દરરોજ ગરદનની કસરત કરવી તેમ જ કામમાંથી સમય કાઢીને સ્ટ્રેચિંગ કરવું એ ગરદનના દુખાવાથી બચવાના ઉપાયો છે. તેનાથી ગરદનના દુખાવાની શક્યતાઓમાં ઘટાડો થાય છે અને તે આરામદાયક સ્થિતિમાં રહે છે.