- સોલાપુર-વિજાપુર નેશનલ હાઈવેની કામગીરી લિમકા બૂકે નોંધાઇ
- દરેક કર્મચારી, પ્રોજેક્ટ ડિરેક્ટર, અધિકારીઓને અભિનંદનઃ ગડકરી
- ફોર લેનિંગના કાર્ય અંતર્ગત 25.54 કિમીના સિંગલ લેનમાં ડામરનું કાર્ય પૂર્ણ
નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કામ કરતા રાષ્ટ્રીય નેશનલ હાઈવે ઓથોરિટીના કામને હવે લિમકા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ જ કારણે જ એનએચએઆઈએ 25.54 કિલોમીટરના સિંગલ લેનમાં ડામરનું કાર્ય માત્ર 18 કલાકમાં પૂર્ણ કરી તમામને ચોંકાવી દીધા હતા અને નવી સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આ માટે 500 કર્મચારીઓ અને ઠેકેદારો સહિત એનએચએઆઈના વખાણ કર્યા હતા.
કંપનીના 500 કર્મચારીઓએ આ કામ માટે ખૂબ જ મહેનત કરીઃ ગડકરી
નેશનલ હાઈવે ઓથોરિટીએ હાલમાં જ સોલાપુર-વિજાપુર નેશનલ હાઈવે પર ફોર લેનિંગના કાર્ય અંતર્ગત 25.54 કિલોમીટરના સિંગલ લેનમાં ડામરનું કામ પૂર્ણ કર્યું છે અને એ પણ માત્ર 18 કલાકમાં. આ કામની નોંધ લિમકા બૂક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન ગડકરીએ જણાવ્યું કે, કંપનીના 500 કર્મચારીઓએ આ કામ માટે ખૂબ જ મહેનત કરી છે. હું એ કર્મચારીઓ સહિત નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર, અધિકારી, ઠેકેદાર કંપનીના પ્રતિનિધિ અને પ્રોજેક્ટ અધિકારીઓનું અભિનંદન કરું છું.
સોલાપુર-વિજાપુર નેશનલ હાઈવેના 110 કિલોમીટરનું કાર્ય પ્રગતિમાં
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં સોલાપુર-વિજાપુર નેશનલ હાઈવેના 110 કિલોમીટરનું કાર્ય પ્રગતિમાં છે, જે ઓક્ટોબર 2021 સુધી પૂર્ણ થઈ જશે. ગડકરીએ ઉત્તરાખંડ માટે દહેરાદૂનના નવા ઈકોનોમિક કોરિડોરની જોહેરાત કરી. 210 કિલોમીટરની લંબાઈ ધરાવતા 6 લેનના આ પ્રોજેક્ટ પાછળ રૂ. 12,300 કરોડ ખર્ચવામાં આવ્યા છે. વર્ષ 2023 સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે.