નવી દિલ્હીઃ તમિલનાડુના કેબિનેટ પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ખુલાસો માંગતી નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે પ્રધાન સ્ટાલિન અને તમિલનાડુ સરકારને એમ બંને જણને નોટિસ ફટકારી છે.
સ્ટાલિનનું નિવેદન હેટ સ્પીચ કક્ષાનુંઃ ન્યાયાધિશ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની સંયુક્ત બેન્ચ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. ઉદયનિધિ સ્ટાલિન વિરૂદ્ધ બી.જગન્નાથ નામક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં સ્ટાલિનના નિવેદનને હેટ સ્પીચ કક્ષાનું ગણાવાયું છે. સુપ્રીમ કોર્ટે સ્ટાલિન વિરૂદ્ધ FIR દાખલ કરવા ઉપરાંત અનેક આદેશો આપ્યા છે.
વિદ્યાર્થીઓ સમક્ષ વિવાદાસ્પદ નિવેદનઃ અરજીકર્તાના વકીલ દામા શેષાદ્રી નાયડુએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે સ્ટાલિને શાળાના વિદ્યાર્થીઓને એક ધર્મ સારો નથી અને બીજો ધર્મ સારો છે તેવું કહ્યું હતું. આ અદાલતમાં કોઈ વ્યક્તિ ધર્મ વિશે અઘટિત બોલે તેવા કેસ ચાલેલા છે જ્યારે આ કેસમાં તો એક પ્રધાને એક ચોક્કસ ધર્મ વિશે આપત્તિજનક નિવેદન કર્યુ છે. અહીં વાત એક રાજ્યની છે જેમાં શાળાના વિદ્યાર્થીઓને એક ધર્મ વિશે ખોટું કહેવામાં આવી રહ્યું છે. નાયડુએ સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી કે સ્ટાલિનને આવા વિવાદાસ્પદ નિવેદન કરતા રોકવામાં આવે અને તેમના વિરૂદ્ધ FIR કરવાની પરવાનગી આપવામાં આવે.
હાઈ કોર્ટમાં જવા સલાહ: સુપ્રીમ કોર્ટની બેન્ચે નોટિસ પાઠવવા ઉપરાંત અરજકર્તાના વકીલને સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરીને સુપ્રીમ કોર્ટને પોલીસ સ્ટેશન ન બનાવવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટમાં આવી અરજી કરવાની સલાહ આપી છે.