- પંજાબમાં સામાન્ય જનતાની સાથે સાથે નેતાઓ પણ થયા સંક્રમિત
- કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહ તેમજ સાંસદ સૂરજેવાલા થયા સંક્રમિત
- અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદ તેમના પત્ની હરસિમરત કૌર થયા સંક્રમિત
ચંદીગઢ: શુક્રવારના દિવસે પંજાબમાં 3 નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિનિયર કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સૂરજેવાલા, દિગ્વિજય સિંહ અને શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: હરસિમરત કૌર બાદલનું રાજીનામું મંજૂર, તોમરને અપાઇ જવાબદારી
સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખવા કરી અપીલ
કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાછલા 5 દિવસોમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય, તેઓ ખુદને આઈસોલેટ કરી લે અને પોતાનો રિપોર્ટ કઢાવી લે." 53 વર્ષીય સૂરજેવાલાએ પણ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી.
આ પણ વાંચો: સંઘર્ષ ચાલુ રહેશે, આગળની રણનીતિ પાર્ટી નક્કી કરશે: હરસિમરત કૌર બાદલ
તાજેતરમાં સુખબીર સિંહ બાદલ થયા હતા સંક્રમિત
પૂર્વ કેબિનેટ પ્રધાન હરસિમરત કૌર બાદલે જણાવ્યું હતું કે, તેઓ કોરોના સંક્રમિત થયા છે અને સામાન્ય લક્ષણો ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, "હું હાલમાં હોમ આઈસોલેશનમાં છું અને તકેદારી માટે તમામ પગલાઓ ભરી રહી છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરૂ છું કે, પૂરતી તકેદારી રાખો અને ટેસ્ટ કરાવી લો." હરસિમરત કૌરના પતિ અને શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ થોડા સમય અગાઉ જ કોરોના સંક્રમિત થયા હતા અને સારવાર મેળવીને સ્વસ્થ પણ થઈ ગયા છે.