સુરત: શહેરના સરથાણામાં યોગીચોક વિસ્તારમાં 24 વર્ષીય યુવકને ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા મળતા તેણે ચોથા માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં લોકો નાની નાની વાતે, કોઈક બીમારીથી તો કોઈ દેવું વધી જતા અથવા તો પછી ધંધામાં નુકસાન થવાને કારણે
માનસિક તણાવમાં આવીને આપઘાત કરી રહ્યા છે. આવી જ ઘટના શહેરના સરથાણામાં યોગીચોકમાં બની છે. જેમાં 24 વર્ષીય યુવકે પોતાના ઓનલાઈન ધંધામાં નિષ્ફળતાને પગલે ચોથા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી છે. આ ઘટના સંદર્ભે સરથાણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઇન કાપડનો ધંધો શરૂ કર્યો હતો
આ ઘટના વિષે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. ચાવડાએ જણાવ્યું કે, "આ ઘટના સોમવારે સવારે બની હતી. જેની જાણ સ્વીમેર પોલીસ ચોકી દ્વારા કરવામાં આવી હતી. મરનાર યુવકનું નામ અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા છે. જેઓની ઉંમર 26 વર્ષ હતી. તેઓ યોગીચોક સાવલીયા સર્કલ ખાતે આવેલા શિવપુજન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમના પિતાના નિવેદન અનુસાર, "અંકિતે ધંધો કરવા માટે મારી પાસે પૈસા માગ્યા હતા. હું પોતે રત્નકલાકાર છું. તે પૈસાથી તેણે અલગ અલગ વસ્તુઓનો ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ તે ધંધો ચાલતો ન હોવાથી તેણે ઓનલાઇન
કાપડનો ધંધો શરૂ કર્યો હતો. જોકે તેમાં પણ ફાવટ ન આવતા તે ખૂબ હતાશ થઈ ગયો હતો."
સોમવારની સવારે એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર "રવિવારે રાત્રે તે ઘરે પરત ન આવતા અંકિતના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સોમવારની સવારે એપાર્ટમેન્ટના પાછળના ભાગમાંથી અંકિત બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ."