નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 124A(રાષ્ટ્રદ્રોહ)ની માન્યતાને પડકારતી અરજીઓ સંવિધાન પીઠમાં ટ્રાન્સફર કરી છે. આ સંવિધાન પીઠ 5 જજોથી બનેલી છે. તેથી આ પીઠમાં આ તમામ અરજીનો યોગ્ય અભ્યાસ થઈ શકશે. સુપ્રીમે કલમ 124A અંતર્ગત કાયદો બને ત્યાં સુધી તમામ પ્રકારની તપાસને અટકાવી દીધી છે. કેન્દ્ર સરકારના અનુરોધને પણ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો નથી.
અરજીઓ 7 જજોની બનેલી બેન્ચમાં પણ જઈ શકે છેઃ સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે 5 જજોથી બનેલી સંવિધાન પીઠ આ મામલે વિસ્તૃત અભ્યાસ કરી શકશે તેમજ કેદારનાથ સિંહ મામલાના પૂર્વ ચુકાદાની વ્યાખ્યા પણ કરી શકશે. તેમજ 7 જજોની બેનલી પીઠમાં આ અરજીઓને ટ્રાન્સફર પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 124A(રાષ્ટ્રદ્રોહ)ની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી યોજાઈ હતી. સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે આઈપીસીમાં સ્થાન પામનાર કોઈ સંભવિત નવો કાયદો એ તથ્યને બદલી શકે નહીં કે જેમાં કલમ 124A અંતર્ગત અનેક ગુનાહિત કાર્યવાહી પેન્ડિંગ હોય.
કેન્દ્ર સરકારની દલીલઃ કલમ 124A આઈપીસીનો એક ભાગ છે. મે 2022માં સુપ્રીમ કોર્ટના હુકમને લીધે તેનો ઉપયોગ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને આ રાષ્ટ્રદ્રોહના કાયદા પર વિચાર કરવા માટે સમય પણ આપ્યો હતો. મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે પ્રસ્તાવિત દંડ સંહિતામાં રાષ્ટ્રદ્રોહ પ્રાવધાનને સંશોધિત કરવામાં આવ્યું છે. જેના પર સંસદીય સ્થાયી સમિતિ વિચાર કરી રહી છે.
અત્યારે કલમ 150 અસ્તિત્વમાં છેઃ નવા ભારતીય ન્યાય સંહિતમાં વિધેયકમાં સ્પષ્ટરૂપે કલમ 124A નથી, પરંતુ કલમ 150 છે. જેમાં ભારતની સંપ્રભુતા, એક્તા અને અખંડિતતાને જોખમમાં મુકવામાંનો ઉલ્લેખ છે. સુનાવણીની શરૂઆતમાં અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે કેદારસિંહ મામલે ચુકાદા પર પુનવિચાર કરવા માટે 5 ન્યાયાધીશોની બનેલી બેન્ચમાં મોકલવા જણાવ્યું હતું.
એટોર્ની જનરલની દલીલઃ એટોર્ની જનરલે કહ્યું કે નવો કાયદો તૈયાર છે. જેને સંસદીય સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો છે. સિબ્બલે કહ્યું કે નવો કાયદો અત્યંત ખરાબ છે. જેના અંતર્ગત જૂના કેસ ચાલતા રહેશે. એજીએ ભારપૂર્વક જણાવ્યું કે સંસદીય સમિતિ આ મુદ્દે તપાસ કરી રહી છે અને અદાલત રાહ જોઈ શકે છે.
સીબ્બલની વળતી દલીલઃ સીબ્બલે વળતી દલીલ કરી કે 5 જજોની બનેલી બેન્ચને સમગ્ર મામલાની સુનાવણી કરવા દેવામાં આવે અથવા આ બેન્ચ 7 જજોની બનેલી સમિતિને આ અરજીઓ ટ્રાન્સફર કરે. જેના પર હંમેશા માટે ચુકાદો આપી દેવામાં આવે.