નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા મણિપુરમાં તેના કેટલાક સભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆરના સંબંધમાં કરાયેલ અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે 6 સપ્ટેમ્બરે એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા (EGI)ના ચાર સભ્યોને રાહત આપી હતી.
શું છે મામલો:
- શનિવારે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં એડિટર્સ ગિલ્ડે મણિપુરમાં હિંસા બાદ ઈન્ટરનેટ પ્રતિબંધને મીડિયા રિપોર્ટિંગ માટે હાનિકારક ગણાવ્યો હતો. ગિલ્ડે દાવો કર્યો હતો કે મણિપુરમાં જાતિય હિંસા અંગેના મીડિયા અહેવાલો એકતરફી હતા. આ સાથે તેમણે રાજ્ય નેતૃત્વ પર સંઘર્ષ દરમિયાન પક્ષપાતી વલણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
- મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 4 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ફરિયાદના આધારે એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને ત્રણ સભ્યો વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેમના પર 'અથડામણ ઉશ્કેરવાનો' પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીજી એફઆઈઆર પણ ગિલ્ડના ચાર સભ્યો સામે બદનક્ષીના આરોપો સાથે દાખલ કરવામાં આવી હતી.
- EGIના ચેરમેન અને તેના ત્રણ સભ્યો સામે પ્રારંભિક ફરિયાદ નાનંગોમ શરત સિંઘ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે રાજ્ય સરકાર માટે કામ કરતા નિવૃત્ત એન્જિનિયર હતા. બીજી એફઆઈઆર ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈની સોરોખાઈબામ થોડમ સંગીતાએ નોંધાવી હતી. જેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે તેમાં એડિટર્સ ગિલ્ડના પ્રમુખ સીમા મુસ્તફા અને ત્રણ સભ્યો - સીમા ગુહા, ભારત ભૂષણ અને સંજય કપૂરનો સમાવેશ થાય છે.
PTI-ભાષા