નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ ઈલેક્ટોરલ બોન્ડ (Supreme Court Electoral Bond) દ્વારા ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપતા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે સુનાવણી કરશે. ચૂંટણી ભંડોળમાં (Election Funds) પારદર્શિતા લાવવાના પ્રયાસરૂપે, રાજકીય પક્ષોને આપવામાં આવતી રોકડના વિકલ્પ તરીકે બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરથ્નાની બેન્ચ બિન-સરકારી સંસ્થા (એનજીઓ) એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર), કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ માર્ક્સિસ્ટ (સીપીઆઈ-એમ) અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓ (પીઆઈએલ) પર સુનાવણી કરે તેવી શક્યતા છે.
સરકારે 2018માં ચૂંટણી બોન્ડ યોજનાને કરી હતી જાહેર : એનજીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે ગત 5 એપ્રિલે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમના સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે અને તેની ઝડપી સુનાવણીની જરૂર છે. તે સમયે સર્વોચ્ચ અદાલત એનજીઓની અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા માટે સંમત થઈ હતી, પરંતુ તે હજી સુધી સૂચિબદ્ધ થઈ શકી નથી. સરકારે 2 જાન્યુઆરી, 2018ના રોજ ચૂંટણી બોન્ડ યોજનાને જાહેર કરી હતી.